વ્હેલી સવારે ક્યારેક તે
‘ગીતા’ની ગાંસડી પીઠ પર
ઊંચકી જાય છે,
તો કેટલીકવાર
ભરબપોરે ‘બાઇબલનું બંડલ’
ખભે નાખી લઇ જાય છે.
ઘણીવાર ‘કુરાનનું કાર્ટન’
માથે લઇ જતા જોયો ત્યારે,
એ બંદાને સવાલ કર્યો કે..
“શું ‘આ બધાં’ને તમે વાંચો પણ છો ?!?!?”
ત્યારે ગળે અને ગાલેથી પસીનો લૂંછતા
સહજ અને સજ્જડ જવાબ આપે છે…
“એમાં શું હોય છે એની મને હજુયે જાણ નથી
પણ દિવસે એમાંથી મારી રોજી-રોટી નીકળે છે,
અને રાતે તેના ખાલી થયેલાં ખોખાંઓની
પથારી પર આરામથી સુઈ જાઉં છું,
વ્હેલી સવારે જલ્દી પાછા ‘જાગવાની રાહ’માં….”
- મુર્તઝા ‘અલ્ફન’