અમારે કંઈક કહેવું છે

વ્હાલીડાં ‘હમિ’જનો,

સાવ હળવા મિજાજે ‘હળવા મિજાજે’ વિષે અમે કહીએ તો આ કોઈ વિશિષ્ટ સાહસ નથી, પણ લાખો બ્લોગ્ઝમાં ઉમેરાતો એક બ્લોગ માત્ર જ છે. આમ છતાંય અમને કહેવા દો કે અમે બેઉ પોતપોતાના એકાધિક અનેક બ્લોગ્ઝના સંચાલન અને સંપાદન થકી પંદરેક વર્ષ જેટલો અનુભવ ધરાવીએ છીએ અને તેથી અમે ખાત્રીપૂર્વક કહી શકીએ એમ છીએ કે આ બ્લોગ આપ સૌને નિરાશ તો નહિ જ કરે.

આ બ્લોગની વિશેષતા વિષે અમે કંઈ પણ કહીએ તે કરતાં બ્લોગને ખુદને કહેવા દો. વળી બ્લોગને સાંભળવા માટે આપને તેની સામે કાન અને ધ્યાન તો ધરવાં જ પડશે! આશાએ ખેડૂત આખલા (ટ્રેક્ટર) હાંકે, તેમ  અમે પણ આશા રાખીએ છીએ કે ભલે અજમાયશી ધોરણે પણ આપ આ બ્લોગ સાથે જોડાઓ અને વાચનસામગ્રી પસંદ ન પડે તો અડધી રાતે પણ અનસ્બસ્ક્રાઈબ થઈને અર્થાત્ છેડા ફાડીને બ્લોગને કટ્ટા કરી શકશો.

આમ છતાંય અમે એટલું તો અવશ્ય કહીશું કે આ બ્લોગ આજકાલના લોકોના ખતરનાક માનસિક તનાવને હળવો કરવા માટે પોતાના શક્ય પ્રયત્નો કરશે. તનાવના મૂળમાં કોઈ સમસ્યાઓ હોય છે અને ઘણીવાર કોઈપણ સમસ્યા નથી પણ હોતી. ઘણા લોકો પ્રત્યક્ષ કોઈ કારણ વગર અથવા ‘ભવિષ્યમાં કદાચ એવું બની જશે તો’ એવા આભાસી ભય હેઠળ હતાશાને ગળે વળગાડીને ફરતા હોય છે. કોઈ વળી જાતે જીભ કરડીને પીડા ઊભી કરતા હોય છે અને સુસકરા બોલાવતા હોય છે.

સારાંશે કહીએ તો અમે કોઈ ડિગ્રીધારી મનોચિકિત્સક નથી, પણ સમજી લો ને કે અમે ઉઘાડપગા તનાવમુક્તિ ચિકિત્સક છીએ. સૌ જાણે છે કે ઉઘાડપગા ચિક્ત્સકોનું પણ આગવું સામાજિક યોગદાન એ હોય છે કે દૂરદરાજનાં જે સ્થળોએ પેલા નિષ્ણાતો પહોંચી નથી શકતા ત્યાં ઉઘાડપગાઓ પોતાની સેવાઓ આપતા હોય છે.   

અંગ્રેજી સાહિત્યના હાસ્ય લેખક માર્ક ટ્વેઈન આ મતલબનું કંઈક કહે છે, ‘ માનસિક તનાવમાંથી મુક્ત રહેવા સિત્તેર કે એંસીની ઉંમરે જન્મો અને નાના થતાં થતાં અઢાર કે તેનાથી પણ ઓછી વયે પહોંચી જાઓ.’ અમે આમાં થોડુંક ઉમેરણ કરીએ છીએ કે ‘દુ:ખ કે વ્યથા તમારી પાછળ પાછળ ઘસડાતાં જશે, પણ તમને આંબી  નહિ શકે.’

‘જય હો’ તો સૌ કોઈ કહે; પણ, અમે તો ‘પરાજય હો!’ કહીશું એ સઘળા નકારાત્મક સંવેગોને કે જે ઉમદા માનવજીવનને વિષાદમય બનાવે છે.

આપ વાચકોને ‘કોઈ સમસ્યા ન હોવાની’ સમસ્યા હોય તો પણ માત્ર મનોરંજન ખાતર પણ આ બ્લોગ સાથે સબસ્ક્રાઈબ અથવા ફોલો માધ્યમે હળવેકથી જોડાઈ જવા માટે અમારુ હાર્દિક ઇજન છે.  

સનેહડે,

વલીભાઈ મુસા ( Will )

– સુરેશ જાની ( Suja )

ખુદાહાફિઝ

જય જગત

તા.ક. :

આપ વાચકોમાંથી કોઈ પોતાના તરફથી કોઈ કૃતિનું યોગદાન આપશે તો અમને ગમશે. ધન્યવાદ. 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s