નવ્વાણું માર્ક

  હું ભણવામાં ઠીક ઠીક હોંશિયાર હતો. ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત આ વિષયોની પરીક્ષામાં હમ્મેશ મારા વર્ગમાં હું સૌથી વધારે માર્ક લઈ આવતો. અમારી શાળામાં દરેક ધોરણમાં ચાર વર્ગ રહેતા. દસમા ધોરણમાં બધા હોંશિયાર વિદ્યાર્થીઓને એકઠા કરી એક અલાયદો વર્ગ ‘ક’ બનાવાતો; જેથી અગિયારમા ધોરણની  SSC  બોર્ડની  પરીક્ષામાં ઝળકી શકે તેવા હોંશિયાર વિદ્યાર્થીઓ પર શિક્ષકો ધ્યાન કેન્દ્રિત કરી; તેમને એ મેરેથોન દોડ માટે તૈયાર કરી શકે.

        આ વાત દસમા ધોરણની વાર્ષિક પરીક્ષાની છે. (૧૯૫૮ ) હું અલબત્ત ‘ક’ વર્ગમાં હતો અને ક્લાસમાં મારો પહેલો નમ્બર આવ્યો હતો. ગણિત સિવાય બધા વિષયમાં  આખા વર્ગમાં મારા  સૌથી વધારે માર્ક આવ્યા હતા. આવું કદી બન્યું ન હતું. સમાજશાસ્ત્ર અને હિંદીમાં પણ મને સૌથી વધારે ગુણ મળ્યા હતા; પણ ગણિતમાં દર વખતે સો લાવનાર મને ૯૯ માર્ક જ. આટલા સારા પરિણામ છતાં હું ખિન્ન થઈ ગયો. મેં બાર  માંથી આઠ સવાલ નહીં, પણ ત્રણ કલાકના પેપરમાં બારે બાર સવાલના જવાબ આપ્યા હતા. છતાં પણ આમ કેમ બન્યું?

          પરિણામ મળ્યા બાદ છૂટીને હું અમારા ગણિતના શિક્ષક શ્રી. ચિતાણીયા સાહેબ પાસે રડમસ ચહેરે ગયો. અને ડરતાં ડરતાં પૂછ્યું,” મને ૯૯ માર્ક આપ્યા છે, તો મારી ભૂલ કયા પ્રશ્નમાં થઈ છે તે મને જણાવશો? ”

         સાહેબ બોલ્યા, “ ભાઈ, જો! તેં બારે બાર સવાલ સાચા ગણ્યા, તે વખાણવા લાયક છે. રીત પણ બરાબર છે; અને અક્ષર પણ સારા છે. એક ભૂમિતિની સાબિતી તો તેં બે રીતે આપી છે. આટલું બધું કામ ત્રણ કલાકમાં ભાગ્યે જ કોઈ કરી શકે.”

           મેં કહ્યું, ” તો સાહેબ! મારો એક માર્ક કેમ કાપ્યો?”

       સાહેબ બોલ્યા,” તું મને મળવા આવે તે માટે મેં આમ કર્યું. મને ખબર જ હતી કે તું મને મળવા જરુર આવશે. ”

        હવે મારાથી ન રહેવાયું. હું લગભગ રડી જ પડ્યો અને બોલ્યો,” તો સાહેબ ! મારો વાંક શું?”

         સાહેબે છેવટે કહ્યું,” જો, ભાઈ! તેં ઉત્તરવહી ઉપર પહેલા જ પાને લખ્યું છે કે –

‘ ગમે તે આઠ જવાબ તપાસો. (Examine any eight.) ‘

       આ તારું અભિમાન બતાવે છે. એ તારા અભિમાનનો એક માર્ક મેં કાપ્યો.  એકાદ જવાબમાં તારી ભૂલ થઈ હોત; અને મેં તેના માર્ક કુલ માર્કમાં ગણ્યા હોત તો તને દસેક માર્કનો ઘાટો પડત. મેટ્રિકમાં બોર્ડમાં નમ્બર લાવનારાઓમાં એક એક માર્ક માટે રસાકસી હોય છે. તેમાં આવું થાય તો?  એનાથીય વધારે….

     તારી હોંશિયારી તને જીવનમાં કામ લાગશે; તેના કરતાં વધારે આ અભિમાન તને નડશે. 

    

      મેં કાનપટ્ટી પકડી લીધી અને ચિતાણીયા સાહેબને હ્રદયપૂર્વક નમસ્કાર કર્યા.

          ત્યાર બાદ જ્યારે જ્યારે મારા જીવનમાં ગર્વ લેવા જેવા પ્રસંગો આવ્યા છે, ત્યારે ત્યારે મને એ ચિતાણીયા સાહેબ અને એ ૯૯ માર્ક યાદ આવી જાય છે.

   –    સુરેશ જાની

Advertisements

કોયડો – તળાવની માછલીઓ

તળાવમાં ૧૦૦ માછલીઓ હતી. એક મરી ગઈ. અને તળાવનું પાણી વધવા લાગ્યું.

પ્રશ્ન – શા માટે?

[bg_collapse view=”button-orange” color=”#4a4949″ expand_text=”જવાબ જુઓ” collapse_text=”જવાબ સંતાડો” ]બાકીની માછલીઓ દુઃખી થઇને રોવા લાગી એટલે[/bg_collapse]

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઇ જા

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઇ જા,

ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઇ જા;

મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઇ જા.

તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,

અને વેગે પાણી સકળ નદીનાં તે ગામ વહે;

વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,

દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.

થયું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,

કૃતિ ઇન્દ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;

સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,

ક્ષમાદૃષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.

     –    કવિ ન્હાનાલાલ

આખી પ્રાર્થના અહીં વાંચો અને સાંભળો…

     –   નિરંજન મહેતા

ઉખાણું – ૬

સાભાર – શ્રી. સુરેશ પાટડીયા [ ‘અમૃતધારા’ ]

સૂર્યમંડળનો એક સભ્ય,
સૌથી સુંદર લાગું છું,
પીળાશ પડતો રંગ મારો
મારી ફરતે બર્ફીલા વલયો
[bg_collapse view=”button-green” color=”#4a4949″ icon=”arrow” expand_text=”જવાબ જુઓ” collapse_text=”જવાબ સંતાડો” ]શનિ ગ્રહ[/bg_collapse]

ઉખાણું – ૧૨

– શ્રીમતિ પૂર્વી મલકાણ 

અંધારાને ચીરી આગળ વધતી
જેમ આગળ વધતી તેમ રોશની પાથરતી જતી

કોણ?

 [bg_collapse view=”button-green” color=”#4a4949″ icon=”arrow” expand_text=”જવાબ જુઓ” collapse_text=”જવાબ સંતાડો” ]વાહનોની હેડ લાઇટ[/bg_collapse]

મુંબઈનો વિકાસ

     મુંબઈની આધારભૂત માહિતી ૧૫૩૫ અને ત્યાર બાદની મળે છે. એક વાયકા પ્રમાણે મુંબઈના મૂળ રહેવાસી માછીમાર વારલી જાતીના લોકોની દેવી મુંબાદેવી ઉપરથી આ ટાપુઓના બનેલા શહેરનું નામ મુંબઈ પડ્યું. બોમ્બે નામ પોર્ચ્યુગીઝ લોકોએ પાડેલું, કારણ કે “બોમ બાહિયા”નો અર્થ સુંદર અખાત થાય છે.

     છેક ૧૭૫૦ સુધી પણ અંગ્રેજ અધિકારીઓ મુંબઈ આવવા ઈચ્છતા ન હતા. ૧૭૭૭માં સુરતની વસ્તી ચાર લાખની હતી ત્યારે મુંબઈની વસ્તી એક લાખની માંડ હતી. મુંબઈમાં ૧૦૦ ઈંચ જેટલો વરસાદ, અને સમુદ્રની ભેજવાળી હવાને લીધે મેલેરિયા, કમળો વગેરે રોગોનું પ્રમાણ વધારે હતું. સાત ટાપુઓ વચ્ચે માત્ર હોડી દ્વારા જ આવવું જવું શક્ય હતું.

     છેક અઢારમી સદીના અંતમાં વહાણો બાંધવામાં નિષ્ણાત પારસી લવજી નસરવાનજી વાડિયા સુરત શહેર છોડી મુંબઈ આવ્યા, તેથી વહાણવટાના ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું. ત્યાર બાદ ઘણાં પારસીઓ અને અન્ય ગુજરાતીઓ સુરતથી મુંબઈ આવ્યા. ગુજરાતમાં પાકતો કપાસ, મુંબઈ બંદરેથી ચીન અને અન્ય દેશોમાં જવા લાગ્યો, એટલે મુંબઈ વ્યાપારનું મથક બન્યું.

     ઈંગ્લેન્ડથી આવતા વહાણોને આફ્રિકાના દક્ષિણ છેડેથી ફરીને આવવું પડતું હોવાથી બહુ સમય લાગતો, પણ એ જ અરસામાં સુએઝ નહેર ખુલી ગઈ અને રસ્તો ઘણો ટુંકો થઈ જવાથી પણ મુંબઈનો વ્યાપાર ખૂબ જ વધી ગયો. ધીરે ધીરે મુંબઈની વસ્તી વધવા લાગી. લોકોની જીવન જરૂરિયાતોની વસ્તુઓ અનુસાર વ્યાપારના મથકો ખુલવા લાગ્યા. ભાંગ વેચતી દુકાનોવાળા વિસ્તારને ભાંગવાડી, શાકભાજી વેચતા વિસ્તારને ભાજીપાલા સ્ટ્રીટ, ચંદન વેચતા વિસ્તારને ચંદનવાડી, રૂના વેપાર કરતા વિસ્તારને કોટનગ્રીન વગેરે નામો આપવામાં આવ્યા.

      એ સમયે મુંબઈમાં તળાવો ઘણાં હતા. ૧૭૮૦ ની આસપાસ ૨૯૦ તળાવ હતા.  ધોબીઓને  કપડા ધોવા માટે અલગ તળાવ હતું એને ધોબીતળાવ નામ અપાયલું. પીવાના પાણી માટે કૂવા હતા.

      આજે મુંબઈના અલગ અલગ સાત ટાપુઓ વચ્ચેની છીછરી ખાડી પૂરી દઈ, મુંબઈને એક વિશાળ ભૂખંડ બનાવી દેવાયો છે. મુંબઈના લગભગ બધા જ તળાવ અને કૂવા પૂરી દેવામાં આવ્યા છે. મુંબઈના લોકો માટે પીવાનું પાણી ૧૦૦ કીલોમીટર દૂરના તળાવોમાંથી પાઈલ લાઈનો વાટે લાવવામાં આવે છે. આજે મુંબઈની વસ્તીનો આંકડો બે કરોડને આંબવા આવ્યો છે.

 -પી. કે. દાવડા

નોંધ – નીચેનાં કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.