ઘોવાળા હારી ગયા !
દેશના કોઈક દૂરના વિસ્તારમાં, એક વરરાજાનો વરઘોડો (જાન) કન્યાપક્ષના બીજા ગામે જઈ રહ્યો હતો. જાનૈયાઓ બળદગાડાંમાં સફર કરી રહ્યા હતા. તેઓ બધા જુવાનિયા હતા, કેમ કે તેમણે લગ્નપ્રસંગનો આનંદ મુક્ત રીતે માણવા માટે ઘરડાઓને ટાળ્યા હતા. બધાં ગાડાં હારબંધ એક નેળિયા (સાંકડા રસ્તા)માંથી પસાર થઈ રહ્યાં હતાં.
પહેલું ગાડું ઊભું રહ્યું, ત્યારે બાકીનાં ગાડાંના બધા જ જુવાનિયાઓ શું થયું છે તે જાણવા પોતાનાં ગાડાંમાંથી ટપોટપ નીચે ઊતરી પડ્યા. બધાએ આશ્ચર્યસહ જોયું તો રસ્તા વચ્ચે એક પાટલા ઘો પડેલી હતી. તેમને ખબર જ હતી કે આ પ્રાણી સાવ નિર્દોષ અને બિનઝેરી હોય છે અને જમીન ઉપર લાકડીઓ પછાડીને થોડોક જ અવાજ કરવામાં આવે તો તે ભાગી જ જાય.
પેલા યુવકોમાંનો એક જણ જે ઘાતકી સ્વભાવનો હતો. તે તેને મારી નાખવા માટે આગળ ધસતો હતો, ત્યારે બીજાઓએ તેને વાર્યો. કોઈકે કહ્યું કે તે રસ્તો છોડીને ચાલી જાય તે માટે આપણે તેની સાથે શાંતિવાર્તા ચલાવવી જોઈએ. આમ છતાંય જો તે ન માને તો જ આપણે તેને મારી શકીએ.
એક જુવાનિયો જે તરત જ કવિતા રચી શકે તેવો શીઘ્ર કવિ જેવો હતો. તેણે તળપદી ભાષામાં પેલી પાટલા ઘો ને સંબોધતી કેટલીક કાવ્યકંડિકાઓ રચી કાઢતાં કહ્યું, ‘ઓ ટીમ્બાટુડા (કાલ્પનિક ગામનું નામ)કી ઘો, જરા આઘીપાછી હો; પાંચદસ તેરે મરેંગે, પાંચદસ હમારે મરેંગે, ઈસમેં ક્યા ફાયદા હોગા? ઈતની સી મામૂલી બાતમેં ખૂન બહાના ક્યા અચ્છા રહેગા?’
પેલી ઘો પોતાની જગ્યાએથી જરાપણ હાલી નહિ, એટલે પેલાઓએ તેની સાથે લડી લેવાનું નક્કી કરી લીધું. પણ, તેમનામાંના એક કહેવાતા ડાહ્યા જુવાને ઘોનો પક્ષ લેતાં કહ્યું, ‘કોઈ કમજોરની સાથે લડવું તેમાં ન્યાય નથી. આ ઘો બિચારી એકલી છે અને સામે આપણે ઘણા છીએ. શું આપણામાંના અડધા તેના પક્ષે ન થઈ શકીએ?’
બધા આ દરખાસ્ત સાથે સંમત થઈ ગયા અને તેઓ બધા બે ભાગમાં વહેંચાઈ ગયા. બંને જૂથ વચ્ચે લાંબી અને મજબૂત લાઠીઓ વડે ધમાસાણ લડાઈ શરૂ થઈ ગઈ. બધા લોહીલુહાણ થઈ ગયા, જેમાંના કેટલાકનાં તો હાથ, પગ, આંખો, જડબાં અને માથાં ભાગ્યાં. દરમિયાન બધાના હોંકારા અને દેકારા તથા લાકડીઓના ઝડાઝૂડ અવાજથી ચમકીને પેલી ઘો ભાગી ગઈ. જેવો ઘોએ રસ્તો છોડ્યો કે તરત જ લડાઈ બંધ થઈ અને જીતેલા પક્ષવાળા બૂમો પાડવા માંડ્યા, ’ઘોવાળા હારી ગયા, ઘોવાળા હારી ગયા! શરમ… શરમ, તમારો મુખિયો તો મેદાન છોડીને ભાગી ગયો!’
-વલીભાઈ મુસા
* * *