એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !
લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,
સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે !
તક આવી નિમજ્જનની(*) પછીથી તો ક્યાં મળે
લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે !
મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !
સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે !
કેમે ય કરી ડૂબ્યો નહિ જીવ અમારો
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે !
‘ઘાયલ’ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી,
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે !
– અમૃત ‘ઘાયલ’
(*)નિમજ્જન – ડૂબકું
સુરેશ જાની
સ્વ. અમૃત ઘાયલની આ ગઝલ બહુ જાણીતી છે. એક અંગ્રેજી સદવિચાર વાંચવામાં આવતાં, વયસ્ક વ્યક્તિની ખુમારીની આ ગઝલ યાદ આવી ગઈ. આ રહ્યો એ સદવિચાર-

આપણા ચીલાચાલુ ઉપદેશકો આને મિથ્યા જ્ઞાન ગણી હસી કાઢે, પણ જીવન જીવવાની એ ઘાયલી મિજાજની શૈલીનો વ્યાપ આજના તાણ ભરેલા જીવનમાં કદાચ એટલો જ પ્રસ્તુત નથી લાગતો?
અસાર સંસારમાં સત્યશોધનના ધખારાનો ભાર હૈયામાં ભરી, મોક્ષ કે નિર્વાણના મૃગજળ પાછળ દોડનારા લાખો છે. એમને અને એમના દિશાસૂચક ગુરૂઓને કદાચ આ બહુ ભૌતિકવાદી વિચાર લાગે. પણ, આપણે ચોવીસ કલાક તો શું એક બે કલાક પણ કોઈ વિચાર વિના, ધ્યાનમાં બેસી શકીએ ખરા?
કદાચ એ બિનજરૂરી છે. કોઈ જાતના ખર્ચ વિના, ઘેર બેઠા જીવનના આનંદને માણતાં આપણને કોણ રોકે છે? દસ પંદર મિનિટ સુડોકુની પઝલ ઉકેલી તો જોઈએ. એ ઉકલે એનો આનંદ માણી જોવા જેવો છે. બીજી ઘણી હોબીઓ છે, જેમાં આપણને ધ્યાન જેવી જ એકાગ્રતા આનંદના બોનસ સાથે મળી જાય છે. અરે! નાના બાળકને મજા આવી જાય એવી વાર્તા કહીએ કે, કામવાળી બાઈના બાળકને રમકડું આપી એના ખિલખિલાટ હાસ્યને માણી તો જોઈએ. કોઈક જરૂરિયાતવાળાને નાનકડી મદદ કરવાનો આનંદ સ્વલક્ષી મોક્ષની લાલસા વાળાં ધ્યાન કે માળા કરતાં વધારે ખાનદાન નથી વારુ?
આનંદ, હળવાશ વિ. જીવનના અંતિમ લક્ષ્યથી આપણને દૂર લઈ જશે – એ ભયના ઓથારમાં આપણે આજના દિવસની થોડીક ક્ષણો ગુમાવી દઈએ છીએ. હળવા મિજાજમાં એ સદવિચારના આ કાર્ટૂનથી વિરમીએ –
