મૌન પણ બોલે છે

      મને આ વાત બાળપણમાં સમજાઈ હતી. ત્યારે  હું ૧૧માં ધોરણમાં હતી. સ્વાભાવિક ઉંમર એનું કામ કરતી હતી. મને કશુક નવું કરવું ગમતું, જેને ‘એડવેન્ચર’ કહી શકાય. એક દિવસ રીસેસમાં ગાપચી મારી હું મારી બહેનપણી સાથે ‘મેટેની’ શોમાં પિક્ચર  જોવા ગઈ. મારી માસીની દીકરી મારા જ વર્ગમાં હતી. તેણે મારી મમ્મીને વાત કરી કે હું શાળામાંથી પિક્ચર જોવા ગઈ હતી.

હું ઘરે આવી. સમય કરતા થોડીક જ મોડી અને મમ્મીએ માત્ર એટલું જ કહ્યું કે ‘આવી ગઈ? સારું, જમી લે અને સ્કુલનું લેસન કરી લેજે.’ ત્યાર પછી શનિ–રવિની રજા હતી. રજા પછી શાળામાં ગઈ ત્યારે મારી બહેનપણીએ કહ્યું. ‘તારી મમ્મીએ પૂછ્યું હતું કે, પ્રજ્ઞાની  ફિલ્મની ટીકીટના તને કેટલા પૈસા દેવાના છે?   તારા પપ્પા મમ્મી તો મને રવિવારે પૈસા આપી ગયા..’

હું બે ક્ષણ માટે એને જોઈ રહી અવાચક. આ વાત જાણ્યા પછી મમ્મી પપ્પાનું આ મૌન  મને ખટકી ગયું. હા, અહીં એમનું મૌન બોલતું હતું.

શબ્દો ન કરી શકે તે કામ મૌને કર્યું.

હું મારી જાતે બધું સમજી ગઈ. આવી વાત આપણી હો કે ગાંધીની, પણ શબ્દો અને વાણી વિનાની મૌનની એક અજબની પરિભાષા છે.

      હું તો ક્યારેક મારા શહેરનું પણ મૌન સાંભળું છું. મુંબઈ શહેર એટલે ચોવીસ  કલાક  હાંફ્તું ,ધબકતું અને ક્યારેય ના થાકતું, ધાંધલ ધમાલ, ઉથલપાથલનું શહેર. એ મૌન કેવી રીતે હોઈ શકે? અહીં મુંબઈ શહેર તમને ખોટા પાડે છે. કારણ  શહેરનું મૌન  ભેદી હોય છે. મુંબઈ શહેર શબ્દોનું મહોતાજ નથી. એભાવની ભરતીનું શહેર છે. એનું મૌન ક્યારેક ડર પહેરીને આવે છે તો ક્યારેક ચિંતા ઓઢીને આવે છે.અહી મૌનની તીક્ષ્ણતા આકરી હોય છે. હા ક્યારેક શહેરનું મૌન શબ્દોથી પણ તેજ, ધારદાર, ઘાતક, જીવલેણ અને તીક્ષ્ણ બની જતું હોય છે. ત્યારે જાણે મૌન શબ્દની આબરૂ લેતું હોય તેવું ભાસે છે. હા,પણ મૌન બોલે છે.

  સાંભળો તો મૌન ઘણું બોલે છે.  મૌન માણસને ચીરી નાખે છે તેમ મૌન માણસને સીવી નાખે છે મૌન જીવન છે, મૌનમાં ધબકાર છે. મૌનમાં શ્વાસ છે. મૌન એ શબ્દોની કબર નથી. મૌન હૃદયના ધબકારામાં ગાજતું હોય છે..હા મૌન બોલતું હોય છે.

 –     પ્રજ્ઞા દાદભાવાલા

સાન ફાન્સિસ્કો શહેરની નજીક મિલપિટાસના સાહિત્ય વર્તુળના બ્લોગ ‘બેઠક’ પરથી


Advertisements

પ્રાર્થના

    રાતના અગિયાર વાગ્યા હતા. મારી આંખોમાં હવે માંડ માંડ થોડીક ઊંઘ ભરાણી હતી. હું છેલ્લો ઈમેલ ચેક કરી કોમ્પ્યુટરને અલવિદા કરી, સુવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં કોઈના રડવાનો ધીમો અવાજ સંભળાયો.

    હું ચોંકીને અવાજની દિશામાં ગયો. ઘરના  દિવાનખંડમાં મારી દીકરીનો દીકરો જય રાતે અમારે ઘેર રહેવા આવેલા, તેના મિત્ર એન્થનીને મનાવવા વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો હતો.

   મેં  તેને પૂછ્યું,” કેમ તમારા રુમમાં જઈને સૂઈ જાઓને?”

   જયે કહ્યું,” એન્થનીને બીક લાગે છે.”

   મેં કહ્યું,” તો નાઈટલેમ્પ ચાલુ રાખીને સૂઈ જાઓને?”

   જય – ” ના! એને તો બસ એના ઘેર જ જવું છે.”

   આમ તો એન્થનીનું ઘર અમારા ઘરથી દૂર નથી, પણ આટલી મોડી રાતે એનાં માબાપને જગાડવું, મને ઠીક ન લાગ્યું.

   મેં એન્થનીને કહ્યું,” ચાલ મારા રુમમાં મારી જોડે સૂઈ જા.”

   અમે ત્રણે મારા રુમમાં ગયા. એન્થનીનું રડવાનું તો ચાલુ જ હતું. મેં એને મારી સાથે સૂવાડ્યો અને એના બરડે હાથ ફેરવવા માંડ્યો. એના ધીમાં ડૂસકાં હજુ શાંત થયાં ન હતાં. જ્યારે જય નાનો હતો; ત્યારે તે અમારા રુમમાં સૂતો હતો. હું રોજ એને પ્રાર્થના કરી સૂવાડતો હતો. પણ એ તો આપણા શ્લોકો અને ભજનો. મને કોઈ અન્ગ્રેજી પ્રાર્થના આવડતી ન હતી. મેં જયને પ્રાર્થના કરવા કહ્યું. એ એની સ્કૂલની, જિસસની પ્રાર્થના ગડગડાવી ગયો. પણ એન્થનીના રડવામાં કાંઈ જ ફરક ન પડ્યો.

     મેં એક છેલ્લા પ્રયત્ન તરીકે, એના બરડે હાથ ફેરવતાં શાંતિમંત્ર ગાવો શરુ કર્યો.

ॐ सहनाववतु, सह नौ भुनक्तु , सहवीर्यम् करवावहै,
तेजस्विना वधितमस्तु, 
मा विद्विषावहै!
ॐ शांति, शांति, शांतिः ।

    મારો સાદ અને રાગ તો મધ્યમ કક્ષાના પણ ન કહી શકાય. પણ એના લયમાં એનું રડવાનું બંધ થઈ ગયું.

     હવે મારો ઉત્સાહ વધ્યો. મેં પુનિત મહારાજનું મને બહુ જ ગમતું ભજન  ગાવા માંડ્યું. 

“હરિના નામનો હો! એક જ આધાર છે.
જીવનસંગ્રામનો હો! એક જ આધાર છે.”

[ આખું ભજન આ રહ્યું . ]

    આ ભજનનો ઢાળ મને બહુજ ગમે છે – જયને પણ. અને કદાચ હું એ ઠીક ઠીક ગાઈ શકું છું. હજુ ભજન અડધે જ આવ્યું હશે, અને એન્થની સૂઈ ગયો, તે સવાર પડે વહેલી.

    આમ એક અમદાવાદી સંતના સાવ સાદા ભજને, એક ખ્રિસ્તી અને અમેરિકન બાળકને શાંતિ અને નિંદર ભેળો કર્યો હતો.     


બાળકોને સમજાવવાં અઘરાં છે?

જરાક જમાના સાથે રીત બદલીએ તો? 


જિનાની જિદ અને યુ-ટ્યુબ ગુગલની મદદ

૧) કેમેય કરીને વાળમાં કશું રાખવા જ ના દે. એનાં વાળ એટલાં લીસા કે પીન, બોરીયાં, હેર બેન્ડ બધું લસરી જાય

વાળ આંખમાં આવે ને આંખો લાલ થાય. બહુ સમજાવી પણ ના માને. અને માને તો પણ દર બે ત્રણ કલાકે હતું એમનું એમ.

   પણ હેરાન થાય એ હીરલ નહિં. એક દિવસ ગુગલ પર ‘Red eye problems’ સર્ચ કર્યું. ઢગલો  ઇમેજીસ  નીકળી.  એને   બતાવી. આ તો એક વાત થઇ કે આંખોની કાળજી લેવી જરુરી છે.  એ હવે વગર કીધે જ સમજી.

     પણ વાળને આગળ આવતાં રોકવા કેમ? નાનાં- લીસા વાળની ઝડપથી થઇ શકે એવી બે-ત્રણ હેરસ્ટાઇલ યુ-ટ્યુબ પરથી શોધી. એને બતાવી. એક રીત અમે બંનેયે મળીને નક્કી કરી.

 શાંતિ!

    વાળ સરસ બાંધેલા અને આંખોને આરામ. એનાં વાળ બીજા દિવસે પણ જાણે ઓળેલા. થેન્કસ ટુ યુ-ટ્યુબ અને ગુગલ.

૨) ખાવામાં નખરાં –  શાળાએ ગયા પછી વધી ગયા.

    પણ હેરાન થાય એ હીરલ નહિં. ગુગલ પર ‘Starvation, food hunger in kids’ સર્ચ કર્યું. ઢગલો ઇમેજીસ.

એને બતાવી. અંદરથી ડરી ગઇ. ‘ મમ્મી,  હું બધું ખાઇશ.’   અને હવે ખાય છે.  એને  બહુ  વિચારો  આવ્યા  કરે છે  – એ  ભૂખ્યાં  બાળકોનાં.  મને પણ…

બીજું કંશું નહિં એને બધાં માટે પ્રાર્થના કરવાનું શીખવું છું કે, દરેકને પેટ ભરીને જમવાનું મળે.

થેન્કસ ટુ યુ-ટ્યુબ અને ગુગલ.

કોઈ પણ ફોટો મોટો જોવા તેની  પર ક્લિક કરો.
મોટા ફોટા પર ક્લિક કરી પાછા વળો !
વિરાજ સવાલ જવાબ

રમતાં રમતાં સાયન્સ
અમે ઘણું ખરું અરવિંદ ગુપ્તાના ટોયસ બનાવીએ.
આ વખતે રવિવારે મિલને મેગ્નેટની ગેમથી લોખંડની ખુરશી સાથે અવનવા મોડેલ બનાવ્યાં અને બંને રમત રમતમાં ઘણું શીખ્યાં.

જાતે મેગ્નેટ અને લોખંડની વસ્તુઓથી અવનવા મોડેલો બનાવ્યાં.

મેથ ચેલેન્જ ગેમ!

ગઇકાલે ઘરે આવી કહે,
તારો ચહેરો એકદમ હેપ્પી થઇ જશે, તું મારું મેથ મેજીશીયન અવોર્ડ જોઇશ તો?
ત્યારે મને ખબર પડી કે આજે શાળામાં ગણિતની પરીક્ષા હતી.
આપણે ત્યાં પેપર પેન આપીને દાખલા ગણાવે એવું કશું નંઇ.
બે -બે જણની ટીમ બનાવીને એક મોટા કાગળમાંથી ૧૦૦ સેન્ટીમીટરની પટ્ટી બનાવવાની હતી.
અમારા બહેને તરત ઘણી બધી પટ્ટીઓ કાપીને ચોંટાડી દીધી. મને કહે, જો કે ૨૦ સેમીની પાંચ પટ્ટી કે ૧૦ સેમીની ૧૦ પટ્ટી પણ કાપીને ચોંટાડી શકાય.
મને કહે કેટલું સીમ્પલ.
આ હતી ધો.૧ ની ગણિતની પરીક્ષા એને અને એનાં વાલીને કશી જાણકારી નહોતી. શાળામાં એમને કીધેલું ‘ટુડે વી વીલ પ્લે મેથ ચેલેન્જ ગેમ! યુ ઓલ રેડી!!!

અને પરીક્ષા ‘યસ’ ના નારાથી શરુ થઇ. વાહ!

January 22, 2017

૧૧ મહિનાનો વિરાજ

એક મિનિટ માટે પણ જેને નજરથી દૂર ના કરાય એનું નામ: 

બાળ-વિરાજ

 • એક જ મિનિટ નજરચૂક અને ઘણીવાર પલંગ પરથી પટકાયો છે.
 • દાદરા ચઢવામાં પણ એમ જ આંચકો આપેલો.
 • સાડા નવ  મહિનાનો  હતો  ને  સોફા  પર  મિલને  પોતાની  પાસે  બેસાડેલો.  મિલને  વિચાર્યું  ‘વિરાજ ઉંધો ફરીને બારી સામે જુવે છે.’  અને  વિરાજ  સોફા  પર  ચઢી ગયો.
 • ગઇકાલે મિલને એને સૂવાડવા  સમયે  બારીમાં  ચશ્મા રાખેલાં.  એણે જોયેલાં.  પણ ભર ઉંઘમાં મિલન પાસેથી છટકી શકાયેલું નંઇ. થોડીવારે  ઉઠ્યો,  એનો  અવાજ  સાંભળીને  એની પાસે ગઇ. સફાળો જાગ્યો ને બારી  સામે  એણે જોયું,  હું કંઇ વિચારું એ પહેલાં એણે ઉઠીને ચશ્મા લીધા.  મેં મિલનને મોટા અવાજે કીધું ને એ ચમક્યો ને અડધો ઉંઘમાં પથારીમાં ગબડ્યો ને ચશ્માની દાંડી તૂટી ગઇ.
 • બે દિવસ પહેલાં સોફાની બાજુમાં એક નાની ખુરશીમાં એને હાથમાં જામફળનો કટકો આપીને   બેસાડેલો.  એક  મિનિટ  માટે  રસોડામાં  ગઇ  ને  આવીને  જોયું  તો  એ  ખુરશી  પર  ઊભો  થઇને  ખુરશીના  હાથા  પર  પગ  ટેકવીને  સોફા  પર  ચઢી ગયેલો.
 • એક દિવસ રમવાનાં બોક્સના ટેકે સોફા પર ચઢીને છેક બારી પાસે ચઢીને બેઠેલો. {વાંદરો જ કે’વાઇ જાય)
 • એક મિનિટ માટે નજર હટેલી કે બેઉ ભાઇ-બહેન  રમે  છે.  ને  આવીને  જોયું  તો  ક્યાંય  જડે  નંઇ. ધબકારા  ચૂકી  જવાશે  એવી  ફિલીંગ  થઇ  કારણકે  વિરાજ  કંઇક ને  કંઇક  મોંમા  નાંખી  દે.  શાંતિથી  બાથરુમમાં  કમોડમાં  ઉંચે  થઇને  પાણી  હલાવવાની  કોશિશમાં  લાગેલો.
 • એક મિનિટ નજરચૂક થાય ને એ કંઇક ને કંઇક કોઇ ખૂણામાંથી ગોતીને મોંમા  નાખી  દે.  ઘણીવાર જીવ અધ્ધર થઇ ગયો છે ને હજુય એ જ હાલ છે.
 • વિરાજની ઉંઘ બહુ જ કાચી છે. બાજુના ઘરમાં પણ વેક્યુમ ક્લીનર ચાલે તો ઉઠી જાય. આમેય પાવર નેપ જ લે છે. 
 • મને રુમથી બહાર ગયેલી ઉંઘમાં પણ સૂઘી જાય છે. એ સૂઇ જાયે ત્યારે ઘણુંખરું એ જ રુમમાં રહીને પુસ્તક વાંચું છું કે ધ્યાન કરું છું.  
 • કમ્પ્યુટર વગેરે એની હાજરીમાં જાણે અશક્ય છે. એનો કેબલ પ્રેમ તરત બધું કામ  ઠપ્પ કરી દે.
 • આકાર, રંગ, કદ વગેરેની સમજ જાણે બરાબર છે.  ગઇકાલે  જિનાને  કાકડીનો  એક  મોટો  ટુકડો  દીધો.  વિરાજને  બીજા  ટુકડામાંથી  ચાર  પતલી  ચીરી  કરીને  પ્લેટમાં  દીધી પણ  એને  જિનાના  હાથમાં  હતું  તેવું  જ  જોઇતું  હતું.  જ્યારે  બીજો  એક  સરખો  કાકડીનો  ટુકડો  દીધો  ત્યારે  જિનાની  બાજુમાં  બેસીને  જાતે  જ ખાધો. 
 • મહિનાથી ઝટપટ દાદરા ચઢે છે અને બે દિવસથી જાતે સાચવીને ઉતરે પણ છે.
 • પલંગ પરથી અનેક વાર પટકાઇને ત્રણ દિવસથી જાતે સાચવીને ઉતરતાં શીખી  ગયો છે. 
 • એ વખતની એની પ્રસન્ન મુખમુદ્રા આંખોમાં જડાઇ ગઇ. 
 • જાતે જ ખાવું બહુ જ ગમે છે. એ વાતે બહુ મોટું સુખ છે. ત્રણ મહિના બહુ કામ રહ્યું સફાઇનું. પણ હવે એ વાતે ઘણો  આરામ  છે.  જો કે  પ્રવાહી  વસ્તુ  માટેની  ચેલેન્જ   તો  બાકી જ છે.

January 22, 2017

ગપ્પીને ઘેર ગપ્પી આવ્યાં – પૂર્વી મલકાણ

ગપ્પીને ઘેર ગપ્પી આવ્યાં
ગપ્પીજી બોલ્યાં
, આવો ગપ્પીજી
શું લેશો? ચા કે પાણી જી?
ગપ્પીજી ગપ્પીજીને કહે, મૂકો ચા – ને બા
તમે ઘડીક ઊભા રહી સાંભળો મારી વાત
મારે ઘેર ઉગ્યું છે,
બાર હાથનું ચીભડું, ને તેર હાથનું બી.

મઝા આવીને?

આવાં  જોડકણાંઓ અને એમની યાદની વાત ‘વેબ ગુર્જરી’ પર વાંચો.

અને એ વાતની છેવટ આવી છે !

નાનપણની એ યાદોને, નાનપણનાં એ રમકડાં..
મારી આંખોની વ્યસ્તતા જોઇ આજે એ બોલ્યાં …
લે, તને બહુ શોખ હતો ને જલ્દી મોટાં થવાનો ને.. ?

– પૂર્વી મલકાણ

ભવિષ્ય જતુ અંધકારમાં – બિરજુ ગાંધી

સાભાર – વેબ ગુર્જરી

આ લોગો પર ક્લિક કરો.

આજના યુગમાં મા-બાપ દ્વારા તેમના બાળકોનો ઉત્સાહ કેવી રીતે વધારવો તે નાનકડી વાતનો મારો દ્રષ્ટિકોણ શું છે તે કેહવા માંગું છું.

આજે દરેક માતા-પિતાની અપેક્ષા બહુ જ વધી ગઈ છે એમાંની હું પણ એક છું. આપણે એ કેમ નથી વિચારતા કે આપણા બાળકને શું ગમે છે, આપણા બાળકોમાં શું ટેલેન્ટ છે. એ આપણને ખબર છે પણ તેમ છતાં આપણે એ વાત ઉપર ધ્યાન આપતા જ નથી. આપણે ત્યાં બાળક એ ભગવાન નું સ્વરૂપ કહેવાય પણ તેમ છતા એ સ્વરૂપને આપણે ઓળખી શકતાં નથી.

બાળક જયારે ધરતી પર જન્મ લે છે ત્યારે કોઈને કોઈ કળા સાથે લઈને જ આવે છે, પછી માં-બાપનું કામ છે કે એમને ઉત્સાહ આપવાનું, એમનો આત્મવિશ્વાસ વધારવો, તેને વિવિધ કામમાં રૂચિ લેતા કરવાનું ને નકારાત્મક વાત, વિચારથી દૂર રાખવાનું. પણ આપણી વધારે પડતી અપેક્ષાને કારણે, અને આજના સમયની હરિફાઈને કારણે, આપણે બધું ભૂલી જઈએ છીએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે એક બાળક એ ભીની માટીનું ફૂલ છે અને મા-બાપ એ માળી છે. મા-બાપને ખબર છે કે કયાં ઝાડમાં કેટલું ખાતર નાખવાનું, ક્યારે પાણી નાખવાનું, ક્યારે છાયડો કરવાનું, ક્યારે તડકો આપવાનો, ક્યારે તેની નીચેથી ઉગતી નકામી ડાળીઓને કાપવાની. એક માળી એક છોડનું આટલું ધ્યાન રાખે ત્યારે એક ફૂલ છોડ ઝાડમાં ભલે આવે પણ સુંદર અને તંદુરસ્ત આવે છે.

શાસ્ત્રોની વાત સમજવાને બદલે, એના બદલે આપણે શું કરીએ છી? આપણે ઊંધું કરીએ છીએ ! આપણા બાળકોને ઓછા માર્ક્સ આવે, તેના મિત્રને વધારે માર્ક્સ આવ્યા હોય તો આપણે સરખામણી કરીએ છીએ, પછી આપણા બાળકોનો આત્મવિશ્વાસ ઓછો કરતા અને કહીએ છીએ જો તારા મિત્ર ને કેટલા બધા માર્ક્સ આવ્યા, એને કેમ એટલા માર્ક્સ આવ્યા, તે ક્યાં ભૂલ કરી, તે શું લખ્યું, તે ધ્યાન કેમ ન રાખ્યું આવી બધી બાબતોથી બાળકના મન પર આઘાત લાગે છે. તે પોતાના જ મનથી તૂટી જાય છે અને એ વાતથી પ્રોબ્લેમ એ થાઈ છે કે એના મનમાં ઈર્ષા અને ગુસ્સો બંને ઘર કરી જાય છે. સમય જતા તે કઈ એવું પગલું ભરી લે છે કે મા-બાપને દુઃખ થાય છે. કદાચ સારા માર્ક્સ આવ્યા પણ એટલા સારા નથી આવ્યા તો બાળકને પ્રોત્સાહન આપવાને બદલે એના બદલે એના પર ગુસ્સાથી એને કહીએ છીએ એટલા માર્ક્સનું કઈ મહત્વ નથી વધારે હોવા જોઈએ. એટલે કે વધારે ને વધારે લેવાની લાલચ આપણને મનમાં આવે છે પણ બાળકનો પોતાનો જે અંદરનો આનંદ હોય એ ઓછો થઇ જાય છે. એના નાનકડાં મગજ પર દબાણ કરવાની જરૂર નથી કારણકે આજનું દબાણ કાલે બાળક માટે જોખમરૂપ બની જાય છે. આપણે જોઈએ છીએ બોર્ડની પરીક્ષા દરિમયાન પરિણામ આવે (આગળ-પાછળ) એ પહેલાં ડરને કારણે આત્મહત્યાનો પ્રયાસ કરે છે. આપણે ઈચ્છતા હોઈએ કે આપણું બાળક આગળ વધે, આપણે તેમની સાથે છીએ તેમ કહીને તેમનાં આત્મવિશ્વાસને વધારવો જોઈએ. જેથી કરી કાલે બોર્ડ જેવી આવતી અનેક પરીક્ષાઓમાંથી બાળક જયારે પસાર થાય ત્યારે તેમનામાં ડર નહી પણ હિંમત હોય એની સાથે એનો આત્મવિશ્વાસ હોય કે મારા પ્રવાસમાં મારા મા-બાપ મારી સાથે છે. મારી દ્રષ્ટિએ આ વાત બહુ મોટી છે.

આજે ઘણા માં-બાપ બંને જોબ કરે છે તે વખતે બાળકના મનની વાત સમજવા માટે કોઈ ત્રીજું તેના જીવનમાં આવે છે એટલેકે વ્યાવસાયિક સ્તરે બાળકની સંભાળ લેતી સંસ્થા કે વ્યક્તિ (care-taker). જોબ કરવી આજના સમય માટે જરૂરી છે પણ આપણે કામ કરીએ છીએ એ આપણા બાળક માટે પણ આ સમયમાંથી થોડો સમય કાઢીને આપણા બાળક પાછળ ખર્ચીશું તો આપણું બાળક કાલે વધારે મજબૂત થશે. બાળકને માનસીક રીતે નઅળું ન પાડો , જાતે જ લડવા દો, તેના પ્રશ્નોનું નિરાકરણ તેને જાતે જ કાઢવાનો પ્રયાસ કરવા દો ત્યારે તેનો આત્મવિશ્વાસ વધશે ભલે જયારે બાળક જ્યાં અટકે તો ત્યારે આપણે તેની હિંમત બનીને મદદ કરવાની પણ જિંદગીમાં કયારેય કોઈ પર નિર્ભર નહી બની રહે. કયારેક આપણે પણ જાણતા-અજાણતા તેમની પાસેથી કઈક શીખી લેતા હોઈએ છીએ.

આજે હું મારી દીકરીની સાથે જ છું અને હું એને કહું છું કે હું તારી સાથે જ છું આગળ વધ, સામેથી હું પણ શીખી શકું કે હું મારી દીકરીને કઈ રીતે આગળ વધારી શકું. મારી અપેક્ષાઓં ઓછી કરી મારે એની સાથે રહેવું છે, એને માટે પ્રયત્ન કરવા છે જેથી કરી આવતીકાલની પ્રભાત તેને માટે વધારે સારી અને સફળ બને.

ચાલો, આ મારૂં મંતવ્ય છે તમે શું કહેવા માગો છો? કદાચ તમારા મંતવ્યથી હું કંઈ નવું શીખી શકું.

 

સુશ્રી બિરજુબહેન ગાંધી, રાજકોટ

mahekgandhi01@gmail.com