વિટામીન – જતિન વાણિયાવાળા

Advertisements

ભાષા જ્ઞાન – હળવાશથી ( ૮ )

વિશદ અને વિષદ – બે જુદા શબ્દ છે.

વિશદ – વિવિધતા વાળું

વિષદ – ઝેર આપનાર

આવા ઘણા બધા શબ્દોની હળવાશ અહીં….

[૧૦૩૯]

ગપ્પીને ઘેર ગપ્પી આવ્યાં – પૂર્વી મલકાણ

ગપ્પીને ઘેર ગપ્પી આવ્યાં
ગપ્પીજી બોલ્યાં
, આવો ગપ્પીજી
શું લેશો? ચા કે પાણી જી?
ગપ્પીજી ગપ્પીજીને કહે, મૂકો ચા – ને બા
તમે ઘડીક ઊભા રહી સાંભળો મારી વાત
મારે ઘેર ઉગ્યું છે,
બાર હાથનું ચીભડું, ને તેર હાથનું બી.

મઝા આવીને?

આવાં  જોડકણાંઓ અને એમની યાદની વાત ‘વેબ ગુર્જરી’ પર વાંચો.

અને એ વાતની છેવટ આવી છે !

નાનપણની એ યાદોને, નાનપણનાં એ રમકડાં..
મારી આંખોની વ્યસ્તતા જોઇ આજે એ બોલ્યાં …
લે, તને બહુ શોખ હતો ને જલ્દી મોટાં થવાનો ને.. ?

– પૂર્વી મલકાણ

બોલતી થઈ – છાયા ઉપાધ્યાય

   છાયા બહેન આણંદની નજીકના એક ગામમાં ગુજરાતીનાં શિક્ષિકા છે. તેમનો એક વિદ્યાર્થીની સાથેનો અનુભવ  આપણને વિચારતા કરી દે તેવો છે.


     તેનો સામનો પહેલી વાર થયો ત્યારે દિગ્મુઢ થઈ જવાયેલુ . ભાવશૂન્ય ચહેરાની નવાઈ નથી. કેટલાક ‘કલાકારો’ એ પહેરી લેતા હોય છે. પણ, ભાવશૂન્ય આંખો ! અને તે ય બાળકની ! શરીરેય દુબળી, ફિક્કી. સ્પર્શ પણ ઉષ્માહિન. તેનો હાથ હાથમાં લઈ પસવારીએ તો કંપી જવાય એવી, લાશ જેવી ટાઢાશ.

    ‘તેની સાથે કેવી રીતે કામ કરવું?’ એ અમારી ચર્ચાનો પ્રમુખ વિષય થઈ પડેલો. તે શાળાએ દરરોજ આવતી.‌ તેની નિશ્ચિત જગ્યાએ બેસે. પુસ્તક- નૉટ કાઢે, ના કાઢે.  એક હરફ ના ઉચ્ચારે. પૂછનાર થાકી જાય, જવાબ ના મળે. ‘તને કયો રંગ ગમે ? શું ભાવે? ચિત્ર દોરવું છે ? રમવું છે? ગલીપચી કરું?’ બધા સવાલ નિરુત્તર. આસપાસ રહેતી વિદ્યાર્થીઓ કહે કે ઘરે પણ તેની આ જ અવસ્થા હોય છે. તેની શૂન્યતાનું કારણ પકડાતું નહોતું. લાખ બોલાવ્યે ય તેના મમ્મી-પપ્પા ક્યારેય શાળાએ નથી આવ્યા.

     અમારા ચિત્તમાં તેની ઓળખ ‘પથ્થર જેવી આંખ’ તરીકે છપાઈ ગયેલી. તેની લાગણીશૂન્યતા અકળાવનારી તો ખરી જ, મૂંઝવનારી પણ. આ છોકરીને મનનો વારસો મળ્યો છે કે નહીં? તેને સંવેદન થતું નથી કે તેને વ્યક્ત કરતાં નથી આવડતું? કેમ નથી આવડતું? કેટકેટલી આશંકાઓ મનમાં આવી જતી. તેની શૂન્યતા અંગે અમારી ચિંતા એ હદે વધી પડેલી કે અમે તેને દુઃખી જોઈને ય રાજી થઈએ એમ હતું.

     મૅડિકલી તે નૉર્મલ હતી. સ્લો લર્નર અથવા ડિફરન્ટ લર્નિંગ સ્ટાઈલવાળા બાળકો તો હોય વર્ગ/શાળામાં. તેને એમ કેમ ‘પ્રિય’ કે ‘એમ.આર.’ કહી દેવાય! અમે નક્કી કર્યું, તેને બસ, જાળવી લેવાની. તેના પર ધ્યાન પણ તેને ‘ખાસ’ હોવાનું લાગે તે રીતે નહીં. દરેક શિક્ષક તેને બોલાવે, પૂછે, લખવા કહે. કોઈ જવાબની અપેક્ષા વગર.

    એક દિવસ તે લપસી પડી અને રડી પડી. તેને રડતી જોઈ અમે ખુશ થયેલા. બીજા શિક્ષકો તેને આશ્વાસન આપવામાં, સારવારમાં લાગેલા ત્યારે ય હું તો તેની આંખોમાં ભાવ શોધતી હતી. રડતી આંખ પણ આવી ભાવશૂન્ય હોઈ શકે તે હચમચાવી નાખનારું હતું. તેના મા-બાપ તે દિવસે પણ શાળાએ નહોતા જ આવ્યા. અમારે જ તેને ઘરે પહોચાડવી પડી’તી.

     ગઈ સાલ દિવાળી પછી તે કંઈક બોલતી સંભળાતી. હાજરીમાં હોંકારો કરતી. અમે તો એટલાથી ય રાજી થવા માંડેલા. ઉત્સાહ બેવડાઈ ગયેલો. બધા મથી પડેલા તેને વધુ એક પગથિયું ચઢાવવાં. અમારે કાંઈ તેને ભણેશરી નહોતી બનાવવી. બસ, તે ‘જીવન’માં ગોઠવાવા યોગ્ય બને એટલે જંગ જીત્યા. ક્રમશઃ તે શિક્ષકો સાથે વાત કરવા આવવા લાગી. “કાલે નહીં આવું.”, “મારે જગ્યા બદલવી છે.” જેવું. નાકમાં અને ગરબડીયુ બોલે. બધું ના સમજાય. અમે એની ‘ભાષા’ સમજવા મથતા.

     ગયા સોમવારે તેનો જન્મ દિવસ. આજ સુધી તે જન્મ દિવસેય શુભેચ્છા ઝીલવા ઊભી થઈ નહોતી. પ્રાર્થના સંમેલનમાં શાળા ‘હૅપી બર્થ-ડે’ ગાતી હોય અને તે શૂન્યવત્ વર્ગની લાઈનમાં બેઠી હોય. આ વખતે અમને સારા એંધાણ મળેલા એટલે શિક્ષક લાઈનમાં જઈ તેને બોલાવી લાવ્યાં. અને તે આવી. શાળા સમક્ષ ઊભી રહી અને અભિનંદન સ્વિકાર્યા. અહા !

     વર્ગમાં જઈ શિક્ષકને કહે, “હું મિઠાઈ કાલે લાવીશ.” ગઈકાલે પાંચ વાગ્યે વર્ગશિક્ષકને એક પડિકુ આપ્યું અને જે બોલી તેમાંથી શિક્ષકને’ ઢેબરાં ‘ અને ‘જન્મદિન’ એટલું સમજાયું.શિક્ષકે તારવ્યું કે “જન્મદિવસે ઘરે ઢેબરાં બનાવ્યા હશે અને પેલા પડિકામાં શાળામાં વહેંચવાની ‘મિઠાઈ’ હશે. પડિયામાં ગૉળના દબડા હતા. અમે જન્મ દિવસ ઉજવણી માટે ચૉકલેટની અવેજીમાં ગૉળ-ચણા-સુખડીને પ્રોત્સાહન આપીને છીએ. તેણે તે યાદ રાખ્યું. શિક્ષકે તિજોરીમા મૂકતાં કહ્યું, “કાલે સવારે વહેંચીશું .” આજે તે ઘણી વહેલી આવી ગયેલી કદાચ. વર્ગમાં દફતર મૂકી મુખ્ય દરવાજે ઊભી રહેલી. વર્ગશિક્ષક આવતાં જ કહે, ” મકાઈ અને ચૉકલેટ લાવી છું.”

“કેમ?”

“બર્થ-ડેનું.”

“કાલનો ગૉળ છે ને!”

“પણ મકાઈ અને ચૉકલેટ છે.”

    તેના ‘ભાવ’ સામે શિક્ષક શું બોલે!

     વર્ગકાર્ય ચાલતું હતું અને તે ગૉળ વહેંચવા નીકળી. બધા શિક્ષકોએ ઉમળકાથી ફરી અભિનંદન પાઠવ્યા અને ગૉળ લીધો. એક ચૉક્કસ શિક્ષકને તેણે ગૉળનું વધુ એક દબડુ આપતાં કહ્યું, “તે દિવસે તમે મને ઘેર મૂકવા નહોતાં આવ્યા !”

   બીજા શિક્ષકે કહ્યું, “તું હવે જાડી થા સરસ.”

    “મને તો પાતળા રહેવું જ ગમે.”

     “લૅ, કેમ?”

     ” મમ્મી કહે છે કે પાતળા હોઈએ તો સારો ઘરવાળો મળે.”

      સમાજે આટલું અથવા આ જ તેને શિખવ્યું છે.

અમે તેને અવાજ આપ્યો છે.

ઈ-વિદ્યાલયના વાચકોને એક વિનંતી

      ઈ-વિદ્યાલયના આ નવા અવતારને માંડ વીસ દિવસ થયા છે. પણ આટલા ટૂંકા ગાળામાં વાચકોએ આપેલ ઉમળકા ભર્યા પ્રતિસાદથી અમે અભિભૂત થઈ ગયા છીએ.

     બાળકો, કિશોરો, વાલીઓ અને શિક્ષકોને નવા જમાનાને અનુરૂપ પ્લેટફોર્મ પૂરું પાડવાનો અમારો સંકલ્પ દૃઢ બન્યો છે.

     ઈ-વિદ્યાલયના વિચારનું બીજ શી રીતે રોપાયું તેની કથા આપ સૌને ગમશે …

મારો એ યાદગાર અનુભવ

    હું જયારે ધો પાંચ કે સાતમાં હતી ત્યારે એક દિવસ વાલી-દિનના દિવસે મારા વ્હાલા પપ્પા મારી સાથે શાળાએ આવેલા. પપ્પાની મુલાકાત મારા ગણિતના પ્રિય શિક્ષક શ્રી યજ્ઞેશભાઈ સાહેબ (બધા શિક્ષકો માટે મને દિલથી આદર છે) સાથે થઇ. સાહેબે અને પપ્પાએ મારા વિશે થોડી વાતચીત કરી. પપ્પા, એ વખતે સવારે ઇ-ગ્રુપના  કાર્યક્રમ જુએ, અને એમને એમાં ખુબ રસ પડે એટલે એમણે સાહેબને એક સૂચન કરેલું.

      “તમે આવી કેસેટોથી ભણાવવાનું રાખોને!  વિદ્યાર્થીઓને વધારે મજા આવશે અને તમારી મહેનત પણ બચશે. તમારે તો પછી માત્ર એમનાં સવાલોનાં જવાબ જ આપવાના, વધારે સમય જ્ઞાન સાથે ગમ્મત માટે મળશે. શિક્ષકો પણ નવા નવા પ્રોજેક્ટ્સ માટે વધારે સમય ફાળવી શકશે. બાળકોને પ્રાયોગિક જ્ઞાન (પ્રેક્ટિકલ નોલેજ) વધુ સારી રીતે આપી શકશો. તમે તો સરસ ગણિત ભણાવો છો, પણ છેવાડાના ગામોમાં પણ એ વિડિયો કેસેટથી બાળકો ભણી શકે.”

      હું તો આશ્ચર્યથી પપ્પાને જોઈ રહી! એક વિચાર આવ્યો કે, ‘સાહેબને કદાચ ના પણ ગમે કે કોઈ વાલીએ આમ સૂચનો કરવાની શું જરૂર?’  બીજો વિચાર આવ્યો કે ‘વાહ, પપ્પા તો કેવું સરસ વિચારે છે?’

      જો કે એ વિચાર પપ્પાને બોલવો સહેલો લાગેલો પણ ત્યારે આ વિચાર એટલો સહજતાથી અમલમાં મુકવો શક્ય નહોતો. ઘરે જતાં પપ્પાએ કીધેલું કે,

“બેટા, હમણાં ભલે આ બીબાંઢાળ પદ્ધતિએ ભણવું પડે છે, પણ આગળ જતા તમે વિદ્યાર્થીઓ જ આમાં બદલાવ લાવી શકશો.”

    ટેકનોલોજી તો દિવસે ને દિવસે કઇંક નવી શોધોને લઈને આવે છે. પણ મુશ્કેલી એ છે કે આ શોધો સમાજને વિશાળ પાયા પર જેટલી ઉપયોગી થઇ શકે એમ છે, એટલો એનો ઉપયોગ આપણે કરતાં નથી. આ આખા વાર્તાલાપની મારાં મન પર બહુ ઊંડી અસર પડેલી. મેં ત્યારે એક સપનું જોયેલું,

      ‘હા, હું જરૂર આવું કંઈક નવું કરીશ. ટેકનોલોજી ભણીશ અને એનો સમાજમાં વિશાળ પાયે ઉપયોગ થઇ શકે એવું યોગદાન જરૂર આપીશ.’

Thanks to dear papa and technology.

     આજે આ લખાણ મુકું છું ત્યારે મારી દીકરી જિના જે ઉત્સાહથી સુરેશ દાદાએ બનાવેલ ગુજરાતી શબ્દોનો વિડિયો માણી રહી છે, તે તમે સામે જોઈ શકશો. ઈ-વિદ્યાલયે બનાવેલ બીજા થોડાક વિડિયો પણ તમને ગમશે.

    ઈ-વિદ્યાલયની ખ્વાહેશ છે ..

  • બીબાં ઢાળ શિક્ષણ પદ્ધતિમાં વિશ્વ કક્ષાના પ્રવાહોને અનુરૂપ બદલાવ લાવવાની પ્રક્રિયામાં સહાય ભૂત થવું. 
  • વિવિધ પ્રકારની શિક્ષણ સામગ્રીઓ પીરસવી. 
  • ગુજરાતનાં  ગામડે ગામડે, છેક છેવાડાની જગ્યાઓએ, અગરિયાઓને, આદિવાસીઓને, સ્લમમાં રહેતાં બાળકોને ઈ-માધ્યમો દ્વારા વિશ્વ કક્ષાનું શિક્ષણ પૂરું પાડવું.
  • બાળકો, વાલીઓ, શિક્ષકોના પ્રશ્નોને , ઉલઝનોને વાચા મળે એ માટે એક મંચ ઊભો કરવો

     આપ સૌને વિનંતી છે કે, આ પ્રયાસને ગુજરાતના ઘેર ઘેર પહોંચાડજો.

    બાળકોના, વાલીઓના, શિક્ષકોના વિચારોને ઈ-વિદ્યાલયના આંગણમાં મ્હોરતા કરજો. 

  –  હીરલ શાહ

 

શ્રી. પી.કે. દાવડાએ બનાવેલ  મારો પરિચય આ રહ્યો

eV_logo_new
hiral_shahસંપાદકોમાં ઉમેરો

     અમને જણાવતાં ખુબ આનંદ થાય છે કે, શ્રી. નિરંજન મહેતા અમારી સાથે બાળકોની સેવામાં જોડાયા છે. તેઓ  મુંબાઈના પરા બોરીવલીમાં રહે છે, અને ગુજરાતી નેટ જગતમાં વાર્તા લેખક તરીકે ખુબ જાણીતા છે. તેમને કોયડાઓમાં પણ ખુબ રસ છે.

    તેમની વાર્તા ‘કાગડાભાઈ અને ભૂમિકા’ થી તેમની બેટિંગ આજે શરૂ થાય છે!