જો તમે પરવાનગી આપો તો…

પટેલ સાહેબ બપોરે તેમના વરંડામાં બેઠા હતા ત્યારે અલ્સેશિયન જાતિનો એક મજબૂત બાંધાનો અને ખૂબ જ થાકી ગયેલો કૂતરો ત્યાં પહોંચ્યો.

કૂતરાના ગળામાં એક પટ્ટો પણ હતો. તેને જોઈને પટેલ સાહેબના મનમાં વિચાર આવ્યો કે ચોક્કસ આ કોઈ સારા ઘરનો પાલતુ કૂતરો છે.

જ્યારે તેઓએ તેને બોલાવ્યો, ત્યારે તે તેમની પાસે આવ્યો. પછી જ્યારે તેમણે તેને પ્રેમથી સ્પર્શ કર્યો, ત્યારે તે તેની પૂંછડી હલાવતો ત્યાં બેસી ગયો.

થોડા સમય પછી જ્યારે પટેલ સાહેબ ઉઠીને ઘરની અંદર ગયા ત્યારે તે કૂતરો પણ હોલમાં તેમની પાછળ ગયો અને બારી પાસે પગ ફેલાવીને તેમને જોતા જોતા સૂઈ ગયો.

પટેલ સાહેબ હોલનો દરવાજો બંધ કરીને સોફા પર બેસી ગયા.

લગભગ એક કલાક ઊંઘ્યા પછી, કૂતરો જાગ્યો અને દરવાજા તરફ ગયો. પટેલ સાહેબે ઉભા થઈને દરવાજો ખોલ્યો.

કૂતરો ઘરની બહાર નીકળ્યો અને ક્યાંક જતો રહ્યો.

બીજા દિવસે એ જ સમયે એ જ કૂતરો ફરી આવ્યો. તે બારીની નીચે એક કલાક સૂઈ ગયો અને પછી ચાલ્યો ગયો.

પછી તો તે રોજ આવવા લાગ્યો. આવે, સૂઈ જાય છે અને પછી જાગીને જતો રહે.

પટેલ સાહેબના મનમાં દિન-પ્રતિદિન ઉત્સુકતા વધતી જતી હતી કે આટલો નમ્ર, બુદ્ધિશાળી, વ્યવસ્થિત કૂતરો આખરે કોનો છે અને ક્યાંથી આવે છે?

એક દિવસ પટેલ સાહેબે તેના પટ્ટામાં એક ચિઠ્ઠી બાંધી. જેમાં લખ્યું હતું કે, તમારો કૂતરો રોજ મારા ઘરે આવે છે અને સૂઈ જાય છે. શું તમે આ જાણો છો?

બીજા દિવસે જ્યારે તે કૂતરો આવ્યો, ત્યારે પટેલ સાહેબે જોયું કે તેના પટ્ટામાં અન્ય એક ચિઠ્ઠી બાંધેલી હતી.

તેમણે તે ચિઠ્ઠી કાઢીને વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું કે, આ એક સારા ઘરનો અને ખૂબ જ શાંતિપ્રિય કૂતરો છે અને અમારી સાથે રહે છે.

પરંતુ મારી પત્નીની આખા દિવસની કચકચને કારણે તે ઊંઘી શકતો નથી અને દરરોજ અમારા ઘરેથી ક્યાંક જતો રહે છે.

*જો તમે પરવાનગી આપો તો હું પણ તેની સાથે આવીને તમારા ઘરે થોડો સમય સૂઈ શકું?*

સૌજન્ય : પ્રતિમા મહેતા (હાસ્યનું પિંજરું)

1 thoughts on “જો તમે પરવાનગી આપો તો…

Leave a comment