માઈકની સ્ટ્રાઈક!

કાવ્યકૂકીઝ

અમે માઇકો સ્ટ્રાઈક પર જવાના છીએ

ના, ના ! અમારી કોઈ ઇજ્જત છે કે નહીં !

બેરા બોબડાં બધાં જ અમારાંમાં બોલે

મે’તા બોલે ને નેતા બોલે

સંત બોલે ને ઘંટ બોલે

રાતે બોલે ને દા’ડે બોલે

તે અમે શું લોકોનાં થૂંક ઝીલવા

જનમ લીધો છે?

અમે માઇક છીએ કે વાઈફ?

જે આવે તે અમને જ સંભળાવે છે

અમને પણ કૈં લાઇક જેવું હોય કે નહીં ?

નામ ત્યારે તો કહેવાય વક્તા

પણ અમને તો એ બકતા જ લાગે છે

કલાકો સુધી એ તો બકે

પણ તમને કંટાળો ન આવે?

અમે ત્રાસી જઈએ

થાય કે આ નવો જનમ થાય ત્યાં સુધી

ભચડ્યાં જ કરશે કે શું?

એ સંસ્કૃતિ બોલે

ને અમને વિકૃતિ સંભળાય

એ ધર્મ બોલે ને અમને અધર્મ સંભળાય

ને તમને શ્રોતાઓને કૈં થાય જ નહીં?

ખુશામત બધાંને ગમે એ ખરું

પણ આટલી ચમચાગીરી તો તમે જ …

અમે માઇક છીએ તો ય અમને

લાઇક, ડિસલાઇક છે

ને તમે સાંભળ્યા જ કરો એ કેવું?

લગનમાં તો ચાલો કે પ્રસંગ છે

તો બધાં ડી.જે.ને તાલે નાચે

પણ બેસણામાં હો માઇક?

એમાં મરનારનું તો નામ ખાલી હોય

પણ વખાણ તો પોતાનાં જ હોય

કદાચ મરનાર દૂર ગયો છે તો

તેને સંભળાવવા માઇક પકડતાં હશે

પણ જે આવે તે વાપરે છે અમને

એ તે કૈં રીત છે?

આમને આમ જ ચાલ્યા કરશે તો

અમે વીજળિક હડતાળ પાડીશું

અમને ગમે ત્યાં ઠોકી ના પાડો

અમે માઇક છીએ, બાઇક નથી

એ સમજી લો કે જેટલાં માઇક વધશે

એટલી બહેરાશ પણ વધશે …

ને કોને સંભળાવવું છે તમારે?

જે કીડીના પગનું ઝાંઝર પણ સાંભળે છે, એને?

લલ્લુઓ, બહેરાશ તમને છે, ‘એને’ નથી –

સૌજન્ય : રવીન્દ્ર પારેખ (ઓપિનિયન)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s