હું રાત્રિ ભોજનનો પ્રથમ જ કોળિયો મોંમાં મૂકવાની તૈયારીમાં હતો ત્યાં મારી નજર મારી સામેનાં પણ દસેક ફીટ દૂરના ટેબલ-ખુરશી તરફ પડી. એક ઊંચો, તગડો, વયોવૃદ્ધ વિદેશી પુરુષ કંઈક ન સમજાય તેવું વર્તન કરી રહ્યો હતો. મેં મારી બાજુની ખુરશીમાં બેસીને ફાઇવ સ્ટાર ડિનરનો આનંદ માણી રહેલા મારા પુત્રને કોણી મારીને ઇશારો કર્યો,
‘જસ્ટ ઓબ્ઝર્વ હિમ. પછી મને કહે કે તને શું લાગે છે?’
મારો પુત્ર તાજો જ એમ.બી બી.એસ. થયો હતો. મેં એને પણ નિદાનના કામમાં જોતરી દીધો. અમે એ વિદેશી પર્યટકનું બારીકીથી નિરીક્ષણ કરતા રહ્યા.
એની ઉંમર સાઠ કે પાંસઠની હોવી જોઇએ. ચહેરો લંબચોરસ, ત્વચા ગોરી. વચ્ચે વચ્ચે પાક્કા સફરજનની છાલ જેવી લાલ ચૂમકીઓ ઊપસી આવી હતી. વસ્ત્રોમાં વિદેશીઓના ટ્રેડ માર્ક જેવાં ટી-શર્ટ અને ચડ્ડો. પગમાં મોજાં વગર સ્પોર્ટ્સ શૂઝ પહેરેલાં હતાં. સામે ટેબલ પર કાચની પ્લેટમાં નોનવેજ વાનગીઓ હતી અને બાજુમાં વાઇનનો ગ્લાસ હતો, પણ આ બધું તો સામાન્ય હતું, જો કંઈ અસામાન્ય હતું તો એ તેનું વર્તન હતું. એના ચહેરા પર દુનિયાભરની ઉદાસી છવાયેલી હતી, એની આંખોમાં આંસુ હતાં. થોડી થોડી વારે તે ટિશ્યૂ પેપરથી પોતાની આંખો લૂછી રહ્યો હતો. પછી ઉપર છત તરફ જોઈને એ કશુંક બબડી લેતો હતો. પછી પાછો વર્તમાનમાં આવીને વાઇનનો ગ્લાસ ઉઠાવીને બે ઘૂંટડા ભરી લેતો હતો. પછી ગ્લાસ નીચે મૂકીને માથું ઝટકાવીને બે-ચાર ઊંડા નિસાસા મૂકી લેતો હતો.
‘યોર ઇન્ફરન્સ, પપ્પા?’
મારા દીકરાએ પૂછ્યું. હું હસ્યો..
‘બે-ત્રણ શક્યતાઓ લાગી રહી છે, કાં તો આ ધોળિયાની ઘરવાળી મરી ગઈ હોવી જોઈએ અથવા એનો દીકરો. કશુંક ભયંકર અઘટિત બન્યું છે એટલું નક્કી છે. એ સિવાય આ કાકો આ રીતે જિંદગી હારી ગયો હોય એવું વર્તન કરે નહીં. પ્રેમલગ્ન થવા જેટલી નાની એની ઉંમર દેખાતી નથી. આર્થિક નુકસાનને એ લોકો આપણી જેમ બહુ ગંભીરતાથી લેતા નથી હોતા. એ ફરવા માટે આવ્યો હોય અને એનો સામાન ચોરાઈ ગયો હોય તો એમાં એ આટલી હદે હતાશ થાય નહીં. કદાચ એનો પાસપોર્ટ ગુમ થયો હોઈ શકે, પણ આ બધી શક્યતાઓ છે, નિદાન કન્ફર્મ થતું નથી. તને શું લાગે છે?’
‘મને તો એક જ શક્યતા દેખાય છે.. આ ધોળિયો આપણા દેશમાં ફરવા માટે આવ્યો હશે. એ દરમિયાન ક્યાંક મિનરલ વોટરને બદલે માટલાનું પાણી પિવાઈ ગયું હશે. એના કારણે આંતરડાંમાં ઇન્ફેક્શન લાગી ગયું હશે. હવે પેટમાં ફટાકડા ફૂટી રહ્યા હશે. એને ચોક્કસ ડાયેરિયા થયો લાગે છે, માટે તો એ ભર્યા ભાણે જમ્યા વગર બેસી રહ્યો છે. ખાલી વાઇનના ઘૂંટડા ભરી રહ્યો છે. ધિસ ઇઝ માય ડાયગ્નોસિસ.’
મને દીકરાના નિદાનમાં પણ વજૂદ જેવું લાગ્યું. વિદેશી પ્રવાસીઓ ભારતમાં બે જ ચીજથી ડરે છે, મચ્છર કરડવાથી અને પેટની ગરબડથી. એ લોકોને આપણી સારવાર પદ્ધતિમાં વિશ્વાસ નથી હોતો અને જો તાવ કે ઝાડા વધી જાય તો આ અજાણ્યા દેશમાં એમની હાલત કેવી થાય? વાત આપણી જેમ એ લોકો જૂથમાં પ્રવાસે નીકળતા નથી, એકલા જ નીકળી પડે છે. એટલે જ જ્યારે માંદા પડે છે ત્યારે અસહાય બની જાય છે.
બહુ વધુ સમય નથી થયો આ ઘટનાને. ગયા ડિસેમ્બરની જ વાત છે. હું સપરિવાર કેરાલાના પ્રવાસે ગયો હતો. આવી રીતે બે-ત્રણ અઠવાડિયાં માટે રખડવા જવાનો ન તો મને શોખ છે, ન મારી પાસે એટલો સમય છે. ભાષણો માટે ગુજરાતભરમાં દસ-દસ વાર પ્રવાસો ખેડતો રહ્યો છું. હવે એ પણ ઓછાં કરી દીધાં છે. હવે અંતરયાત્રા શરૂ થઈ ગઈ છે, પણ પત્નીના આગ્રહને માન આપીને ગયા ડિસેમ્બરમાં હું કેરાલા જવા માટે તૈયાર થઈ ગયો હતો. ત્યાં મુન્નાર ખાતેની હોટલમાં રાત્રિભોજન વેળા આ પ્રસંગે બન્યો હતો. દરદીઓથી કંટાળીને દૂર ભાગવાનું કદાચ મારા નસીબમાં જ લખાયેલું નથી. અમદાવાદ છોડીને કેરાલા આવ્યો તો આ એકલો-અટૂલો ધોળિયો મળી ગયો. એની હાલત જોઈને હું બેસી રહી શક્યો નહીં. ઊભો થયો ત્યારે મારા દીકરાએ મને ચેતવ્યો…
‘પપ્પા, રહેવા દો, આ લોકોને એમની અંગત જિંદગીમાં આવું, ઇન્ટરફીઅરન્સ ગમતું નથી હોતું.’
‘એ એમનો ‘પ્રોબ્લેમ’ છે, મારો નહીં. મારા દેશમાં તો હું મારા સંસ્કાર અને મારી પરંપરા પ્રમાણે જ વર્તીશ. એને ગમે કે ન ગમે એની પરવા હું શા માટે કરું? ચાલ, તું પણ મારી સાથે.’
આટલું કહીને હું ચાલવા માંડયો.
મારી પાછળ મારો પુત્ર પણ ઊભો થઈ ગયો.
‘એક્સ્ક્યુઝ મી.’ મેં એના ટેબલ પાસે જઈને મૃદુ સ્વરમાં પૂછ્યું,
‘મેં આઇ બી ઓફ એની હેલ્પ ટુ યુ? યુ એપરન્ટલી સીમ ટુ બી ઇન સમ બિગ ટ્રબલ.’
એણે ચમકીને મારી સામે જોયું…
‘વ્હોટ સોર્ટ ઓફ હેલ્પ યુ કેન રેન્ડર ટુ મી? ડુ યુ નો એની ડોક્ટર ઇન ધી વિસિનિટી?’ (તમે મને શી મદદ કરી શકો તેમ છો? તમે નજીકના કોઇ ડોક્ટરને ઓળખો છો?)
‘હા, ઓળખું છું. એક નહીં, બબ્બે ડોક્ટર્સને હું ઓળખું છું. એ પણ તમારી સાવ નજીકમાં જ હાજર છે. ઇન ફેક્ટ, અત્યારે તમે એમાંના એકની સાથે વાત કરી રહ્યા છો.’
વાતચીત અંગ્રેજીમાં ચાલી રહી હતી.
‘ઓહ, માય ગોડ જિસસ,
હાઉ મચ શૂડ આઇ થેન્ક યુ?’
એ બબડ્યો. પછી કરગરતો હોય એવા અવાજમાં મને પૂછી રહ્યો…
‘તમે પણ આ હોટલમાં ઊતર્યા છો? તમે મારા રૂમ પર આવવાની મહેરબાની કરી શકો ખરા?’
‘અવશ્ય અને અત્યારે જ.’
મેં મારા ટેબલ તરફ નજર ફેંકી, ત્યાં મારી પત્ની બેઠી હતી. ભોજન મારી પ્રતિક્ષા કરતું હતું અને પત્ની પણ. મેં ઇશારાથી કહી દીધું,
‘તું જમવાનું ચાલુ કરી દે.
અમે હમણાં આવ્યા.’
ધોળિયો લિફ્ટમાં અમને પાંચમા ફ્લોર પરના એના કમરામાં લઈ ગયો. હું જોઈ શક્યો કે એ ચાલતી વખતે સહેજ લંગડાતો હતો. રૂમમાં ગયા પછી એણે કારણ જણાવ્યું….
‘હું આયર્લેન્ડથી આવું છું. એક મહિના માટે ઇન્ડિયા ફરવા માટે આવ્યો છું. ર્યોસ ઇઝ એ બ્યુટિફુલ કન્ટ્રી. તમે માનશો? કેરાલામાં મેં કેટલા ફોટોગ્રાફ્સ પાડયા હશે? પૂરા બે હજાર અને આ તો હજુ મને ઓછા પડે છે. હજી તો કેટલું બધું જોવાનું રહી જાય છે? પણ ઓહ આ તકલીફ…’
આમ કહીને એણે એનો જમણો પગ ઊંચો કર્યો. પછી પગના તળિયાની વચ્ચોવચ એનો હાથ મૂકીને એણે કહ્યું,
‘ગઈ કાલથી આ જગ્યાએ મને અસહ્ય દુખાવો થાય છે. જો આમ જ ચાલ્યું, તો મારે ભારત છોડીને સીધા ઘરભેગા થઈ જવું પડશે. કેન યુ હેલ્પ મી, ડોક. પ્લીઝ?’
મેં એના પગના તળિયા પર એક ચોક્કસ બિંદુ પર આંગળી મૂકીને સહેજ દબાણ આપ્યું. ધોળિયો ચીસ પાડી ઊઠયો…
‘ધેટ્સ ધી પોઇન્ટ, સર, ધેટ્સ ધી પોઇન્ટ.’
‘તમે અહીં ફરો છો કેવી રીતે?’
મેં એક જ પ્રશ્ન પૂછ્યો જે મને સાચા નિદાન તરફ દોરી જવાનો હતો.
‘હું બાઇસિક્લ ઉપર ફરું છું. જ્યાં જાઉં છું ત્યાં ભાડે કરી લઉં છું, રોજના સો-એક કિ.મી. જેટલું સાઇક્લિંગ કરતો હોઈશ.’
‘કાલથી બંધ કરી દેજો. આ ઇન્ડિયા છે. તમારું આયર્લેન્ડ નથી. અહીંના પહાડી રસ્તાઓ અને અહીંની ભાડૂતી સાઇકલો તમને ખતમ કરી નાખશે. હું હાલ પૂરતી બે ટેબ્લેટ્સ આપું છું. તાત્કાલિક રાહત થઈ જશે. બાલદીમાં ગરમ પાણી ભરીને એમાં પગ ડુબાડી રાખજો. હું આપું, તે મલમ લગાવજો. પગને સંપૂર્ણ આરામ આપજો. બે દિવસમાં દોડતા થઈ જશો, પણ દોડતા નહીં. હવે પછી કાર કે જીપમાં જ ઘૂમવાનું રાખજો. ચાલો, નીચે વાઇનનો અધૂરો ગ્લાસ તમારી વાટ જુએ છે.’
ડોસો ગાદલા પર પડેલું વોલેટ લઇ આવ્યો. અંદરથી યુરો કાઢવા લાગ્યો,
‘યોર ફીસ, ડોક? તમે મને સારવાર આપી. મારા રૂમ પર ‘વિઝિટ’ કરી. દવાઓ પણ તમે જ આપી રહ્યા છો અને એ પણ આવા ‘ઓડ્ડ’ સમયે. વ્હોટ શૂડ આઇ…?’
મેં એના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું…
‘આ તમે હમણાં જે કંઈ કારણો ગણાવ્યાં તે ફી લેવા માટેનાં કારણો છે. હવે ફી ન લેવાનાં કારણો હું ગણાઉં છું. એક, તમે મારી પાસે સારવાર કે સહાય માગી ન હતી. હું સામે ચાલીને તમારી પાસે આવ્યો હતો. બીજું, આપણી વચ્ચે ડોક્ટર-દર્દીનો કોઈ સંબંધ સ્થાપિત થયો નથી. ત્રીજું, આ હોટલ છે, મારું દવાખાનું નથી અને છેલ્લું પણ સૌથી મહત્ત્વનું કારણ તમે આ દેશમાં મહેમાન બનીને આવ્યા છો. મેં માત્ર માનવધર્મ અને આતિથ્ય -ધર્મ નિભાવ્યો છે. અમારા દેશમાં આ બે વાત માટે કોઈ જ ફી લેવામાં નથી આવતી. લેટ અસ, ગો બેક ટુ ધી રેસ્ટોરાં, વાઇન ઇઝ વેઇટિંગ ફોર યુ, …એન્ડ વાઇફ ઇઝ વેઇટિંગ ફોર મી.’
અમે ત્રણેય લિફ્ટ તરફ જવા માટે ઊભા થયા. હું મારા દીકરાના કાનમાં ગણગણ્યો…
‘આ ઘટના યાદ રાખજે.. એક ડોક્ટરના જીવનમાં ક્યારેય હોલિડેઝ નથી હોતા. વન્સ યુ આર એ ડોક્ટર, યુ ડોક્ટર એની વ્હેર, એની ટાઇમ…’’
–ડો. શરદ ઠાકર
તમે આ દેશમાં મહેમાન બનીને આવ્યા છો. મેં માત્ર માનવધર્મ અને આતિથ્ય -ધર્મ નિભાવ્યો છે. અમારા દેશમાં આ બે વાત માટે કોઈ જ ફી લેવામાં નથી આવતી.
એક ડોક્ટરના જીવનમાં ક્યારેય હોલિડેઝ નથી હોતા. વન્સ યુ આર એ ડોક્ટર, યુ ડોક્ટર એની વ્હેર, એની ટાઇમ…’’👍🏼✅👌
LikeLike