તાલીસંકેતે
સ્થિર પાદ, લાગી શું
વેક્યુમ બ્રેક?
‘આ હાઈકુના સીધા પઠનમાં હાસ્યનો છાંટોય નથી અને એના વિવેચક (બબુચક!)ના પિષ્ટપેષણમાં તો કંટાળા સિવાય કંઈ જ હાથ લાગશે નહિ!’ એમ પ્રારંભે જ કહી દેવું સારું! તાજેતરમાંજ માર્ક ટ્વેઈન (Mark Twain) ની જન્મજયંતી ગઈ જેમનું આ જ મતલબનું એક વ્યંગકથન હતું – “વિનોદ અથવા રમૂજનો અભ્યાસ કરવો એટલે જીવવિજ્ઞાનના અભ્યાસમાં દેડકાને ચીરવું કે જ્યાં આપણે દેડકા વિષે ઘણું બધું જાણી તો શકીએ, પણ તેનો અંત તો મરેલા દેડકાથી જ આવે!”
પીઠ પાછળથી આવતો તાલીસ્વર એ પુરોગામીઓ માટેનો શ્રાવ્યસંકેત છે અને અનુગામી તાલીવાદક માટે કોઈકનું ધ્યાન દોરવાનું માધ્યમ છે. નગરમાર્ગે આપણી આગળ ચાલ્યા જતા કોઈકને વગડામાં હોઈએ તે રીતે ઘાંટા કાઢીને કે બરાડા પાડીને બોલાવવું એ જંગાલિયતની નિશાની ગણાય અને એટલે જ તો તાલી વગાડીને વાધરી માટે ભેંસ મારવાની જેમ કોઈ એક માટે બધાયને પાછળ જોવડાવવામાં આવે છે. મેટ્રિક પછી તરત જ ધંધા અર્થે મદ્રાસ જવાનું થતાં મારા રમૂજી યજમાન મિત્રે ભરચક માર્ગે ચાલ્યા જતા સઘળા લોકોને તાળી વગાડીને પાછળ જોવડાવ્યું હતું!
ખેર! આપણે આપણા હાઈકુએ આવીએ તો અહીં પ્રણયકાવ્ય, પ્રણયરાગ કે પ્રણયચિત્રની જેમ અહીં પ્રણયતાળી છે! આગળ ચાલી જતી હાઈકુનાયિકાને તેનો પ્રેમીસગલો તાલીસંકેતે જાણ કરે છે કે પોતે તેની પાછળ પાછળ આવી રહ્યો છે. પેલી નારી પણ પોતાના પ્રિયતમની તાળીને પીઠ ફેરવ્યા વગર જ લાખોકરોડો તાળીઓના અવાજોમાં શ્રવણમાત્રથી ઓળખી પાડે છે અને કોઈ વાહનની વેક્યુમ બ્રેકની જેમ તેના પગ ત્યાંને ત્યાં જ સ્થિર થઈ જાય છે!
અહીં મારા ચકોર વાચકો એ દલીલે મને ચૂપ કરવાનો પ્રયત્ન કરશે કે હાઈકુમાંથી ક્યાં એવું ફલિત થાય છે કે તાળી વગાડનાર ભાઈડો છે અને આગળ ચાલ્યે જતી બાઈડી છે! આનો સીધો અને સરળ ખુલાસો એ છે કે જાહેર માર્ગે કદીય કોઈ નારી તાળી વગાડે નહિ અને હા, કોઈ અર્ધ નર કે નારી હોય તો એ જુદી વાત છે!!!
-વલીભાઈ મુસા
નોંધ : –
વ્હાલાં ‘હમિ’જનોને વિનંતી કે આ પોસ્ટમાં લહેરીપણું લાવવા માટે કોમેન્ટ બોક્ષમાં Free Style મિજાજે (Mood) સૌ કૂદી પડો અને આનંદ લૂંટો. આ પ્રકારની Robbery કાયદા હેઠળ ગુન્હાપાત્ર ગણાતી નથી.