હાસ્યહાઈકુ – ૨૨

સંસારઘાણી,
વરવધૂ ફેરવે
લગ્નમંડપે!

હિંદુ લગ્ન પ્રસંગે અગનસાખે સાત ફેરા ફરવાના વિધિવિધાનને અનુલક્ષીને લખાયેલા આ હાઈકુમાં સંસારને ઘાણીનું રૂપક આપવામાં આવ્યું છે. એક સમયે ખાદ્ય કે અખાદ્ય તેલ માટે બળદ વડે ચલાવવામાં આવતી ઘાણીમાં તેલીબિયાંને પીલવામાં આવતાં હતાં, પરંતુ આજે તો યાંત્રિક રીતે તેલ કાઢવામાં આવે છે.

લગ્નમંડપની આ અલ્પકાલીન ઘાણી વરવધૂ બંને સાથે મળીને ફેરવે છે, એટલે તેમના આ કાર્યમાં સરળતા રહેવા ઉપરાંત સાત જ ફેરા ફરવાના હોઈ ફેરા ફરવાનું કામ જલ્દીથી આટોપાય છે. સપ્તપદીના આ ફેરા જાણે કે એક રિહર્સલ માત્ર જ છે, ખરી સંસારઘાણી ફેરવવાનું કામ તો હવે પછીથી શરૂ થનાર છે. જીવનનિર્વાહ માટે દ્રવ્યોપાર્જન કરવું, સાંસારિક અન્ય જવાબદારીઓનું વહન કરવું, પ્રજોત્પત્તિ કરવી, તેમનું પાલનપોષણ કરવું વગેરે જવાબદારીઓની ઘાણી જીવનભર ફેરવ્યા જ કરવી પડતી હોય છે.

કૃષિજગતમાં એમ કહેવાય છે કે બળદ પાસેથી ખેતીનું દરેક પ્રકારનું કામ લઈ શકાય, જેમ કે હળે જોતરવા, કૂવામાંથી પાણી ખેંચવું, ગાડે જોડવા વગેરે. આમ બળદ પાસેથી ખેતીને લગતાં સઘળાં કામની અદલાબદલી થઈ શકે અને તે દરેક કામ સક્ષમતાથી પાર પણ પાડે. પરંતુ એ જ બળદને જો ઘાણીએ જોતરવામાં આવે તો પછી તે અન્ય કશાય કામનો રહે નહિ. ઘાણીના બળદની દુનિયા સીમિત થઈ જાય છે, તે દિવસરાત ગમે તેટલો ચાલે પણ ઠામનો ઠામ જ રહેતો હોય છે. બસ, આમ જ પતિપત્ની જેવાં સંસારઘાણીએ જોતરાય અને પછી તો જીવનભર તેમણે સંસારઘાણી ફેરવ્યે જ જવી પડતી હોય છે. દાંપત્યજીવનનું આ કઠોર સત્ય છે અને આ સત્યને જીવનભર જીરવવું પડતું હોય છે.

સંવાદિતા, સાહચર્ય, પરસ્પરમયતા, પ્રસન્નતા, સમાજલક્ષી જીવન, પ્રવૃત્તિશીલતા અને ફરી પાછી પ્રારંભની એ જ દૃઢિકરણ માટેની સંવાદિતા એવાં આ સાતેય સૂત્રોમાં પતિ-પત્ની વચ્ચે દાંપત્ય જીવનમાં કેવું સમાયોજન હોવું જોઈએ તથા તે માટે કેવી રીતે જીવવું જોઈએ તેનું સ્પષ્ટ માર્ગદર્શન અપાયું છે અને આડકતરી રીતે એવું પણ કહેવાયું છે કે આ બધું સાથે મળીને જ થઈ શકે. આમ સંસારઘાણીએ જોતરાયેલાં ઉભય પતિપત્નીએ કદમ મિલાવીને પરસ્પરના સહયોગથી જીવવાનું હોય છે. સુખમય દાંપત્યજીવન સંવાદિતા ઉપર આધારિત છે, જરા સરખી પણ વિસંવાદિતા જીવનને ઝેર બનાવવા સમર્થ નીવડતી હોય છે.

-વલીભાઈ મુસા

2 thoughts on “હાસ્યહાઈકુ – ૨૨

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s