હાસ્યહાઈકુ – ૨૦

ના અભણ તું!
થૈ લહિયો, લખતો,
હા, પ્રેમપત્ર!

જી હા, ઇશ્ક એ નશો છે! પછી એ હકીકી હોય કે મિજાજી! અહીં આ હાઈકુમાં તો મિજાજી જ સમજવાનો રહેશે, કેમ કે અહીં પ્રેમપત્ર લખવા-લખાવવાની વાત છે! ઇશ્કે હકીકી એ તો એવો દિવ્ય પ્રેમ છે કે જ્યાં માત્ર અનુભૂતિ જ થતી હોય છે, ત્યાં અભિવ્યક્તિને કોઈ સ્થાન નથી હોતું!

સામાન્ય રીતે પ્રેમીયુગલોને અને દુનિયાને આડવેર હોવાનું જોવા મળે છે. જગતના ઇતિહાસમાં અમર થએલી પ્રેમકહાનીઓનો અંજામ દુ:ખદ જ રહ્યો છે. પ્રથમ નજરે અન્યોન્ય પ્રેમમાં પડેલાં એવાં એ પ્રેમીપાત્રો એકબીજાંને રૂબરૂ મળી શકતાં નથી હોતાં. આવા સમયે પ્રેમપત્રોની આપલે જ તેમના વિરહના દુ:ખમાં સધિયારો પૂરો પાડે. આવા પ્રેમપત્રોમાં કવિઓની કવિતાઓ કે શાયરોની શાયરીઓ હોવી જરૂરી નથી હોતી. ઉભય પાત્રોની લેખિત અભિવ્યક્તિ અણઘડ સ્વરૂપે હોય તો પણ તેમને માન્ય રહેતી હોય છે.

આપણા હાઈકુનાયકને પોતાની પ્રિયતમા તરફના પ્રેમપત્રની અપેક્ષા છે, પણ અફસોસ કે એ અપેક્ષા સંતોષાતી નથી. પ્રિયતમાની આ નિષ્ક્રિયતા માટે પ્રેમપત્ર પકડાઈ જવાનો ભય, પત્ર લખવાની ઉદાસીનતા (આળસ) કે પછી સ્ત્રીસહજ શરમાળપ્રકૃતિ જવાબદાર હોઈ શકે ! જે હોય તે,પણ અહીં પ્રિયતમની પ્રેમપત્ર પામવાની ઝંખના ગાંડપણની હદે એવી તીવ્ર બને છે કે તેમને ઇચ્છા થઈ આવે છે કે પોતે પ્રિયતમા વતી તેનો લહિયો બનીને પોતે જ પોતાને પ્રેમપત્ર લખે! પરંતુ આમ કરવામાં એક વ્યવહારુ બાબત એ નડે છે કે પ્રિયતમા અભણ નથી! અભણ વ્યક્તિ જ લહિયાનો સહારો લે અને આમ ભણેલીગણેલી પ્રિયતમા વતી પોતે પ્રેમપત્ર લખે એ કૃત્યમાં પોતાના પક્ષે ગાંડપણભરી ચેષ્ટા ગણાઈ જવાનો ભય રહેલો છે!.

આમ સઘળી પરિસ્થિતિની ફલશ્રુતિ તો એ જ આવીને ઊભી રહે છે કે પ્રિયતમા શિક્ષિત હોવા છતાં પ્રેમપત્ર  લખતી નથી અને પ્રિયતમ મહાશય તેણીના લહિયા બનીને પત્ર લખી પણ શકતા નથી! આમ તેમના લલાટે લખાએલું વિરહનું દુ:ખ ભોગવવા સિવાય તેમની પાસે કોઈ આરો (કિનારો) કે ચારો (ઘાસ!) રહેતો નથી! ન આમ કે ન તેમ એવી દ્વિધાભરી પરિસ્થિતિ તેમના તન અને મનને દઝાડે છે. પ્રેમપંથ પાવકની જ્વાળાઓથી જ સભર હોય ત્યાં શીતળતાની અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય, હેં!

-વલીભાઈ મુસા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s