પજવે છે મુજને મોંઘવારીની આંધી
થોડીકવાર નિકટ રહોને ‘ગાંધી’ !
નીકળ્યું છે તેલ, ગયો છે ગેસ,
રાખી છે લાખની મુઠ્ઠી બાંધી,
રસોયા બની રહોને ‘ગાંધી’ !
ઊંચી મેડીએ ઓછો છે પગાર,
નીચે મેં પણ બકરી છે બાંધી
‘માસ્તર’ બની રહોને ‘ગાંધી’ !
ડુંગળી સાથે રાખ્યાં છે મરચાં,
જુવારનો લોટ રાખ્યો છે બાંધી
ભૂખ્યાં બની રહોને ‘ગાંધી’ !
ત્રણની ઉપર તૂટ્યાં છે તેરસો,
રાખ્યો છે ઘા પર પાટો બાંધી
હમદર્દ બની રહોને ‘ગાંધી’ !
ખિસ્સું ખાલી ને ચહેરે લાલી,
મારી તમાચા ગળે ડૂમો બાંધી
સુખીયારાં બની રહોને ‘ગાંધી’ !
ટાટા-બિરલા, બજાજ-અંબાણી,
અમીરોની મહેફિલ છો ને બાંધી
ગરીબ બની રહોને ‘ગાંધી’
કાંતેલા રૂ સાથે સૂતરની આંટી,
નાનકડા પનામાં પોતડી બાંધી
આવરણ બની રહોને ‘ગાંધી’ !
પજવે છે મુજને મોંઘવારીની આંધી
થોડીકવાર નિકટ રહોને ‘ગાંધી’ !
સૌની સાથે રહોને ‘ગાંધી’ !
-મુર્તઝા ‘અલ્ફન’
