ફરજિયાત લશ્કરી ભરતીમાં એક ઉમેદવારની દાનત દુરસ્ત ન હતી, પણ તે તંદુરસ્ત હોઈ તેને લશ્કરના જવાનો બળજબરીથી ઉપાડી ગયા. સાર્જંન્ટની ઉપસ્થિતિમાં ઈન્ટરવ્યૂના દરેક તબક્કામાં તે ઉત્તીર્ણ થતો ગયો અને તેના દિલના ધબકારા વધતા ગયા. છેવટે તેના મનમાં આંખના ટેસ્ટમાં નાપાસ થઈ શકવાની ઉમ્મીદ જાગી. આંખના ડોક્ટરે બોર્ડ ઉપરના જુદીજુદી સાઈઝના અક્ષરોવાળાં લખાણોને વાંચવા માટેની પ્રશ્નોત્તરી શરૂ કરી.
ડોક્ટર : આ લખાણ વંચાય છે?
પેલો : કયું લખાણ?
ડોક્ટર : આ બોર્ડ ઉપર છે તે.
પેલો : સાહેબ, કયું બોર્ડ?
ડોક્ટર : આ દિવાલ ઉપર છે તે, ભલા માણસ.
પેલો : કઈ દિવાલ?
ડોક્ટર : અનફીટ. ચાલો નેક્સ્ટ.
વાત અહીં પૂરી થતી નથી. પેલા ભાઈ અનફીટ થવાની ખુશીને માણવા મેટિની શોમાં મુવી જોવા ગયા. જોગાનુજોગ કે એ જ આંખનો ડોક્ટર થિયેટરના એ જ ક્લાસમાં દાખલ થઈ રહ્યો હતો. વળી માત્ર એટલું જ નહિ, તેની સીટ એ ભાઈની પાસે જ હતી. તે અકળાયો, પણ તેણે યુક્તિ વાપરીને ડોક્ટરના ખભા ઉપર હાથ મૂકીને પૂછ્યું, ‘મેડમ, આ બસ ક્યાં જશે?’
ડોક્ટર : હું મેડમ નથી અને આ બસ પણ નથી, આ થિયેટર છે. ઓહ, તમે તો સવારે આંખના ટેસ્ટમાં નાપાસ થયા હતા તે છો! અહીં શી રીતે આવી ગયા?’
‘ફૂટપાથ ઉપર ચાલતો હતો અને હારબંધ ઊભેલાઓના ખભાઓને સ્પર્શતાં મને લાગ્યું કે બસની લાઈન હશે. વળી આ સીટ પણ બસના જેવી જ છે ને!’ પેલાએ કહ્યું.
ડોક્ટર મનમાં ‘બિચ્ચારો’ બોલીને પેલાને હાથનો સહારો આપીને થિયેટર બહાર મૂકી આવ્યા. જેવી ડોક્ટરની પીઠ ફરી કે પેલો ‘નાસ્ય મંગળિયા, આંધી આવી’ બોલીને ત્યાંથી ભાગ્યો.
(યાદદાસ્તની દેણગીએ)
-વલીભાઈ મુસા
* * *
ભારે ચતુર.
LikeLike