હલાવી જોયાં,
લાગ્યું ગયાં! ધ્રાસકે
હસી પડતાં!
સુખી દાંપત્યજીવનમાં પતિપત્ની વચ્ચે એમના શયનખંડમાં ધિંગામસ્તી, ટોળટપ્પા અને મજાક મશ્કરી થતાં રહેતાં હોય છે. આપ રસિક વાચકજનો માટે પણ મારે હકારાત્મક જ વિચારવું પડે કે આપ પણ આ હાઈકુયુગલની જેમ મિત્ર કે સખીભાવે મધુર દાંપત્યજીવન માણતાં હશો. હાઈકુનાયિકા શબવત્ સ્થિતિ ધારણ કરીને નાયકને એવો હળવો આંચકો આપવા માગે છે જાણે કે તેના રામ રમી ગયા છે. નાયક ચિંતિતભાવે ક્ષણભર માની લે છે કે ખરે જ એમ બન્યું હશે અને તેથી તેને હલાવી જુએ છે. પરંતુ નાયિકા તો ઢોંગ કરીને પતિને ચીઢવવા માટે આવી ચેષ્ટા કરે છે અને છેવટે તે ખડખડાટ હસી પડે છે. હાઈકુકાર અને રસદર્શનકાર એક જ ઈસમ હોવા ઉપરાંત તે સ્વવિવેચકની ત્રીજી ભૂમિકાએ આ હાઈકુને બિરદાવે છે, એ સંગીન પાસા ઉપર કે અહીં સર્જક આબેહૂબ અને જાણે કે પ્રત્યક્ષદર્શી હોય તેવું શબ્દચિત્ર ખડું કરવામાં સફળ રહ્યા છે. આ હાઈકુની અન્ય વિશેષતા એ છે કે તે ભાવકના દિલોદિમાગમાં પ્રણયભાવ એવો જગાડે છે કે તે પોતાની જાતને નાયક કે નાયિકાની જગ્યાએ ગોઠવી દે છે અને ઘડીભર નિજાનંદ માણી લે છે.
-વલીભાઈ મુસા