વરએંજિને,
ઘસડાતી લાડી, ને
અદૃશ્ય ડબ્બા!
આમ જોવા જાઓ તો જિંદગી એક બાળરમત છે, જેવી કે આપણે નાનાં હતાં ત્યારે છુક છુક રેલગાડીની રમત રમતાં હતાં. હિંદુ લગ્નવિધિ પ્રમાણે મંગળફેરા ફરતી વખતે જાણે કે એ જ બાળરમતનું ફરીવાર પુનરાવર્તન ન થતું હોય! આ હાઈકુમાં હાઈકુકારના દૃષ્ટિકેમેરામાં આ દૃશ્ય ઝડપાઈ જાય છે. અહીં ફેરા ફરતી વખતે આગળ રહેતા વરરાજાને ટ્રેઈનના એંજિનનું રૂપક આપવામાં આવ્યું છે. તેને અનુસરતી કન્યા માટેનો વૈકલ્પિક શબ્દ ‘લાડી’ પ્રયોજાયો છે, જે ‘ગાડી’ શબ્દના પ્રતિઘોષ સમો છે અને તેથી તે સહેતુક છે. એંજિન પાછળ ઘસડાતી ગાડીના ડબ્બા અદૃશ્ય રહે છે. આમાં ભવિષ્યે જન્મનારાં બાળકોનો સંકેત છે.
મારી એક ‘ચાર બસ ચાર જ!’ વાર્તામાં આવી જ ગાડીની વાત છે. વરાળએંજિનવાળી ગાડીના એંજિન ઉપર પતિનું નામ, પાણી તથા કોલસાવાળા પૂરક ભાગ ઉપર પત્નીનું નામ અને ચાર ડબ્બા પૈકીના પ્રથમ ત્રણ ડબ્બા ઉપર સંતાનોનાં નામ તથા ચોથા ડબ્બાને અડધો બતાવીને તેના ઉપર ‘અડધિયો ડબ્બો’ લખવામાં આવ્યું છે. મુકત હસ્તચિત્ર ઉપરના આ ચોથા ‘અડધિયા ડબ્બા’નો ભેદ આપ જેવા મારા વિદ્વાન વાચકો માટે સ્વયં સ્પષ્ટ છે, અકલમંદોને ઈશારો કાફી હોય છે, ખરું કે નહિ?
-વલીભાઈ મુસા