ઢોલ ઢબૂકે,
નાચનિષેધ, કન્યા
ભીડે પલાંઠી!
ચકોર વાચક આ હાઈકુમાં રહેલા સૂક્ષ્માતીત સૂક્ષ્મ સ્મિતને પારખીને માણી શકે છે, એટલે જ અહીં મેં હાસ્ય નહિ, પણ સ્મિતને અપેક્ષ્યું છે. આનો વાચ્યાર્થ તો સાવ સીધોસાદો આમ થાય છે : ઢોલ ગાજી રહ્યો છે, નાચવાની મનાઈ છે અને કન્યા પોતાની પલાંઠી ભીડી દે છે.
ગામડાની કે શહેરની ગોરી ઉત્સવપ્રસંગે કે લગ્નપ્રસંગે નાચતી હોય છે. શહેરોમાં તો ઢોલની જગ્યાએ નવાં વાદ્યો આવી ગયાં છે, પણ ગામડાંઓમાં તો હજુય ઢોલ જીવંત છે. ગામડાની ગોરી પોતાનું ગમે તે ગૃહકાર્ય કરતી હોય, પણ તેના કાને ઢોલનો અવાજ આવતાં જ તેનાં તનમન થનગની ઊઠતાં હોય છે. આ હાઈકુમાં તહેવાર નહિ, પણ લગ્નપ્રસંગ છે. હવે એક કન્યાને પરંપરા અને વડીલોની મનાઈના કારણે નાચવા ઉપર પ્રતિબંધ છે, કેમ કે એ કન્યા પોતે જ પરણી રહી છે. હવે માયરામાં બેઠેલી એ કન્યાના મનમાં અને તનમાં ઢોલનો ધ્વનિ થનગનાટ જગાડે છે. આ થનગનાટને નાથવા એ પોતાની પલાંઠીને ભીડી દે છે, સંભવ છે કે એણે દાંત પણ ભીંસ્યા હોય! શારીરિક આ ચેષ્ટા કન્યાના નચાઈ ન જવાના મક્કમ ઈરાદાને ઉજાગર કરે છે.
આ હાઈકુ સ્વરચિત હોઈ આત્મશ્લાઘા થઈ જવાનો ભય છતાં હું તટસ્થભાવે કહીશ કે આ હાઈકુકાર તેમના ઉચ્ચતમ લક્ષ્યને સિદ્ધ કરવામાં કામિયાબ રહ્યા છે.
-વલીભાઈ મુસા