દૃષ્ટિઘૂંટડા
ભરી, રહ્યાં ખામોશ,
ગળ્યાં શું જિહ્વા?
આ લેખકડાએ ‘વલદાની વાસરિકા’ શ્રેણીએ ‘સાહિત્યમાં શબ્દપ્રયોજના’ લેખમાં ધૂમકેતુને તેમની ‘રજપૂતાણી’ વાર્તા સબબે યાદ કર્યા હતા. વાર્તાના અંતભાગે વાક્ય હતું : અત્યંત વેદનાભર્યું રજપૂતનું મોં, બે તરસ્યા હાથનો ખોબો વાળીને, આ પડતું પાણી ભારે વિહ્વળતાથી પી રહ્યું છે…ઘટક…ઘટક….ઘટક…ઘૂંટડા લે છે.’ આ અંગે મારી ટિપ્પણી હતી : ‘શું અવગતિયા થએલા એ રજપૂતે પીધેલા પાણીના ઘૂંટડાઓનો ઘટક…ઘટક અવાજ વાચકના કાનોમાં દીર્ઘકાળ સુધી ગૂંજ્યા નહિ કરે?’
અહીં આ હાઈકુમાં પાણીના ઘૂંટડાની નહિ, પણ દૃષ્ટિઘૂંટડાની વાત છે. દૃષ્ટિઘૂંટડા પ્રેમીયુગલના એકબીજા પરત્વેના હોઈ શકે, જો આ હાઈકુ હાઈકુકાર પક્ષે બોલાયું/લખાયું હોય તો! વળી બીજી શક્યતા એ પણ હોઈ શકે દૃષ્ટિઘૂંટડા હાઈકુનાયિકાએ ભર્યા હોય, કેમ કે હાઈકુનાયકે ‘રહ્યાં’ અને ‘ગળ્યાં’ એવાં સંબોધનાત્મક માનવાચક ક્રિયાપદો પ્રયોજ્યાં છે.
દૃષ્ટિઘૂંટડા ભરનાર ગમે તે હોય પણ તેણે કે તેમણે સામેની વ્યક્તિના સૌંદર્યનું પાન એવું ઘૂંટડે ઘૂંટડે કર્યું છે કે એ સૌંદર્યપાનની સાથે સાથે જીભ પણ ગળાઈ ગઈ છે, યાને કે હલક નીચે ઊતરી જવાના કારણે તેણે કે તેમણે ખામોશી અખત્યાર કરવી પડી છે. અહીં પ્રણયરસ એવો જામ્યો છે કે ઉભય એકબીજાંની દૃષ્ટિનું પાન કરે છે અને એ ક્રિયા પર્યાપ્ત પણ છે, કેમ કે પ્રણયની અભિવ્યક્તિ શબ્દોની મહોતાજ નથી અને તેથી જ ખામોશી વર્તાય છે.
આમ આ હાઈકુ શૃંગાર અને હાસ્ય એવા બંને રસ ધરાવે છે. ‘ગળ્યાં શું જિહ્વા!’ એ શબ્દોમાં હાસ્ય સમાવિષ્ટ છે. સામેના પાત્રની ચૂપકીદી સામે પ્રશ્ન પુછાય છે, ‘ગળ્યાં શું જિહ્વા?’ અને અહીં વાચકથી સહજપણે મલકી પડાય છે.
-વલીભાઈ મુસા