રડતા રે’જો!

    લે! કર વાત. ‘હળવા મિજાજે’ પર રડતા રે’વાની વાત? ! હા…… આ લેખ વાંચીને હસવું હોય તો હસજો અને રડતા રે’વું હોય તો રડતા રે’જો!

    ‘આંખનું ઓપરેશન’ –  એ રડતા, માંદા માણસની મનોવૃત્તિનું આલેખન હતું.  સાવ નજીવી એવી લેસર સર્જરીને કલ્પનાના ઘોડા દોડાવી,  મોટી પહાડ જેવી બનાવી દેવાની, માંદલી મનોવૃત્તિની એ મહાન ગાથા હતી.   પણ  પછી તો એ ઓપરેશનનો આ દરદી લેસર સર્જરીનો માહેર બની ગયો અને ચારેક વાર રેટિના પરનો કચરો અને છારી દૂર કરાવ્યાં. એક શુભ ઘડીએ એનાથી ઘણી જટિલ એવી સર્જરી પણ કરાવી દીધી – મોતિયો ઊતરાવી,  નવો નેત્રમણિ આંખમાં બેસાડવાની.

    દિવ્ય દૃષ્ટિ પામ્યો! તપ કર્યા વિના થોડી જ સિદ્ધી મળે છે? ‘You have to lose something to gain something.’

       એ રડમસતા તો ગઈ તે ગઈ જ.  હાદજન એવા આ જણને ‘હસ-વા’ થયો છે;  એક જાતનો વા – ‘લખ-વા’ જેવો – ‘હસયોગ’ !! હવે સતત હસ્યા જ કરો તો શું થાય? આંસુ સૂકાઈ જ જાય ને? ગમે તેવા ઓપરેશન્યું ખમી ખાવાની ક્ષમતા કેળવી.  પણ એના  થકી વળી આ નવી નક્કોર મોંકાણ!

કાળજડાની કોર નિચોવી આંખોથી ટપકતા આંસુ
અનહદ ખુશી થાય કદી જો દોડી આવે અધીરા આંસુ
ક્યારેક વળી યાદ બની કોઈ પ્રિયની સતાવે આંસુ
વિરહની ફરિયાદ બની હરદમ રે તડપાવે આંસુ
સંબંધોના બંધનોમા કેવારે અટવાતા આંસુ
દુઃખની પ્રીત કરી હો ભલે સુખની પ્રીત વલખતા આંસુ

– પ્રસાદ આર. માહુલીકર  
– મણિનગર, અમદાવાદ, ગુજરાત

         પણ ન્યાં કણે તો હરખનાં આંસુ પણ સૂકાઈ ગયા! અને ઉપડ્યો આંખોનો દુખાવો. આંસુ જ ન આવે એટલે આંખોનો કચરો સાફ ન થાય, જમા થાય અને દુખાવો પેદા કરે– ડાગટરિયાઓની થિયરી પરમાણ !

         અને એ દુખાવાની દવા લેવા આંખોના ડાગટરને ફરીથી ઝાલ્યા. એમણે આંખમાં બે ત્રણ જાતની દવાઓ નાંખી, આ હાદજનને રડતો કરી દીધો!  જાત જાતનાં યન્ત્રો વાપરી ચકાસણી કરી અને નિદાન જાહેર કર્યું!

        તમારી આંખો સૂકી રહે છે – આંસુ આવે તેવાં ટીપાં દિવસમાં ત્રણ ચાર નાંખજો અને રડતા રે’જો !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s