સજ્જ ઘરેણે!
મોબાઈલ શોરૂમ!
પિયુ જૌહરી! (૧૧)
આ કોઈ નક્લી ઝવેરાત (અમેરિકન ડાયમન્ડ)ના જમાનાની વાત નથી. ગુજરાતના ગાયકવાડ સ્ટેટ (બરોડા સ્ટેટ)માં ચોરીચખાલીની બાબતમાં લોકો સલામત હતા. ગાયકવાડ મહારાજાની એટલી બધી હાક હતી કે એમ કહેવાય છે કે બકરીના ગળામાં સોનાની હાંસડી પહેરાવીને તેને ચરવા છૂટી મૂકી દીધેલી અને કોઈ ચોરની માના લાલની તાકાત નહોતી કે એ હાંસડીની ઊઠાંતરી કરે! (“દેખ બિચારી બકરીનો પણ કોઈ ન પકડે જાતાં કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન!” પંક્તિવાળી દલપતરામની એક જૂની કવિતા કોઈને યાદ આવે છે કે?)
આ પૂર્વભૂમિકા આપવી એટલા માટે જરૂરી લાગી કે આ હાઈકુના સંદર્ભે કોઈ માઈનો લાલ એવી શંકા ન ઊઠાવે કે એ ભાયડો પોતાની બાઈડીને ઘરેણેથી લાદીને આમ કેવી રીતે બહાર ફરવા લઈ જઈ શકે?
લ્યો, હવે આપણા હાઈકુના પાટે ચઢીએ તો અસલી રહેમતુલ્લા સો ટચના સોનાનાં ઘરેણાંથી લદાએલી સાવ જુવાનડી એ બાઈડી નખશિખ સોને મઢેલી નિર્ભયતાપૂર્વક હાલી જાય છે અને આ હાઈકુકાર (વલદાભાઈ)ની કલ્પના તો એવી તોફાને ચઢી અને એમને તો એમ જ દેખાવા માંડ્યું કે એ સજ્જ ઘરેણે બાઈડી એ માત્ર બાઈડી જ નહિ, પણ જરઝવેરાતનો કોઈ મોબાઈલ શોરૂમ જાણે કે રસ્તે ફરી રહ્યો હોય અને સાથે ચાલી રહેલો તેનો પિયુ એટલે કે પ્રીતમ એટલે કે ભાઈડો, એટલે કે … એટલે કે જે ગણો તે… જાણે ઝવેરી ન હોય!
“McKenna’s Gold” મુવી જેમણે જોયું હશે, ‘Arabian Nights’ની ‘અલીબાબા અને ચાલીસ ચોર’ની વાર્તાઓમાં જેમણે સોનાના ખજાનાઓ વિષે જાણ્યું હશે અને ‘Gold Bug’માંની સાંકેતિક ભાષામાં ખજાનાની શોધ માટેની ચિઠ્ઠી જેમણે વાંચી હશે; તેમના ગળે આ હાઈકુની નાયિકારાણીનાં ઘણામાં ઘણાં માત્ર એકાદ બે કિલોનાં ઘરેણાંની વાત સાવ આસાનીથી ઘીથી લથબથ શીરાની જેમ ગળે ઊતરશે જ તેમ માની લેવાનું મન મનાવીને હું મારી મરજીથી અત્રેથી વિરમું છું. તથાસ્તુ! ધન્યવાદ!
(ખાસ આ રાજસ્થાની શબ્દ એટલા માટે પ્રયોજું છું કે રાજસ્થાની લોકોને સોનું ખૂબ પ્રિય હોય છે!)
-વલીભાઈ મુસા