બોલતી થઈ – છાયા ઉપાધ્યાય

   છાયા બહેન આણંદની નજીકના એક ગામમાં ગુજરાતીનાં શિક્ષિકા છે. તેમનો એક વિદ્યાર્થીની સાથેનો અનુભવ  આપણને વિચારતા કરી દે તેવો છે.


     તેનો સામનો પહેલી વાર થયો ત્યારે દિગ્મુઢ થઈ જવાયેલુ . ભાવશૂન્ય ચહેરાની નવાઈ નથી. કેટલાક ‘કલાકારો’ એ પહેરી લેતા હોય છે. પણ, ભાવશૂન્ય આંખો ! અને તે ય બાળકની ! શરીરેય દુબળી, ફિક્કી. સ્પર્શ પણ ઉષ્માહિન. તેનો હાથ હાથમાં લઈ પસવારીએ તો કંપી જવાય એવી, લાશ જેવી ટાઢાશ.

    ‘તેની સાથે કેવી રીતે કામ કરવું?’ એ અમારી ચર્ચાનો પ્રમુખ વિષય થઈ પડેલો. તે શાળાએ દરરોજ આવતી.‌ તેની નિશ્ચિત જગ્યાએ બેસે. પુસ્તક- નૉટ કાઢે, ના કાઢે.  એક હરફ ના ઉચ્ચારે. પૂછનાર થાકી જાય, જવાબ ના મળે. ‘તને કયો રંગ ગમે ? શું ભાવે? ચિત્ર દોરવું છે ? રમવું છે? ગલીપચી કરું?’ બધા સવાલ નિરુત્તર. આસપાસ રહેતી વિદ્યાર્થીઓ કહે કે ઘરે પણ તેની આ જ અવસ્થા હોય છે. તેની શૂન્યતાનું કારણ પકડાતું નહોતું. લાખ બોલાવ્યે ય તેના મમ્મી-પપ્પા ક્યારેય શાળાએ નથી આવ્યા.

     અમારા ચિત્તમાં તેની ઓળખ ‘પથ્થર જેવી આંખ’ તરીકે છપાઈ ગયેલી. તેની લાગણીશૂન્યતા અકળાવનારી તો ખરી જ, મૂંઝવનારી પણ. આ છોકરીને મનનો વારસો મળ્યો છે કે નહીં? તેને સંવેદન થતું નથી કે તેને વ્યક્ત કરતાં નથી આવડતું? કેમ નથી આવડતું? કેટકેટલી આશંકાઓ મનમાં આવી જતી. તેની શૂન્યતા અંગે અમારી ચિંતા એ હદે વધી પડેલી કે અમે તેને દુઃખી જોઈને ય રાજી થઈએ એમ હતું.

     મૅડિકલી તે નૉર્મલ હતી. સ્લો લર્નર અથવા ડિફરન્ટ લર્નિંગ સ્ટાઈલવાળા બાળકો તો હોય વર્ગ/શાળામાં. તેને એમ કેમ ‘પ્રિય’ કે ‘એમ.આર.’ કહી દેવાય! અમે નક્કી કર્યું, તેને બસ, જાળવી લેવાની. તેના પર ધ્યાન પણ તેને ‘ખાસ’ હોવાનું લાગે તે રીતે નહીં. દરેક શિક્ષક તેને બોલાવે, પૂછે, લખવા કહે. કોઈ જવાબની અપેક્ષા વગર.

    એક દિવસ તે લપસી પડી અને રડી પડી. તેને રડતી જોઈ અમે ખુશ થયેલા. બીજા શિક્ષકો તેને આશ્વાસન આપવામાં, સારવારમાં લાગેલા ત્યારે ય હું તો તેની આંખોમાં ભાવ શોધતી હતી. રડતી આંખ પણ આવી ભાવશૂન્ય હોઈ શકે તે હચમચાવી નાખનારું હતું. તેના મા-બાપ તે દિવસે પણ શાળાએ નહોતા જ આવ્યા. અમારે જ તેને ઘરે પહોચાડવી પડી’તી.

     ગઈ સાલ દિવાળી પછી તે કંઈક બોલતી સંભળાતી. હાજરીમાં હોંકારો કરતી. અમે તો એટલાથી ય રાજી થવા માંડેલા. ઉત્સાહ બેવડાઈ ગયેલો. બધા મથી પડેલા તેને વધુ એક પગથિયું ચઢાવવાં. અમારે કાંઈ તેને ભણેશરી નહોતી બનાવવી. બસ, તે ‘જીવન’માં ગોઠવાવા યોગ્ય બને એટલે જંગ જીત્યા. ક્રમશઃ તે શિક્ષકો સાથે વાત કરવા આવવા લાગી. “કાલે નહીં આવું.”, “મારે જગ્યા બદલવી છે.” જેવું. નાકમાં અને ગરબડીયુ બોલે. બધું ના સમજાય. અમે એની ‘ભાષા’ સમજવા મથતા.

     ગયા સોમવારે તેનો જન્મ દિવસ. આજ સુધી તે જન્મ દિવસેય શુભેચ્છા ઝીલવા ઊભી થઈ નહોતી. પ્રાર્થના સંમેલનમાં શાળા ‘હૅપી બર્થ-ડે’ ગાતી હોય અને તે શૂન્યવત્ વર્ગની લાઈનમાં બેઠી હોય. આ વખતે અમને સારા એંધાણ મળેલા એટલે શિક્ષક લાઈનમાં જઈ તેને બોલાવી લાવ્યાં. અને તે આવી. શાળા સમક્ષ ઊભી રહી અને અભિનંદન સ્વિકાર્યા. અહા !

     વર્ગમાં જઈ શિક્ષકને કહે, “હું મિઠાઈ કાલે લાવીશ.” ગઈકાલે પાંચ વાગ્યે વર્ગશિક્ષકને એક પડિકુ આપ્યું અને જે બોલી તેમાંથી શિક્ષકને’ ઢેબરાં ‘ અને ‘જન્મદિન’ એટલું સમજાયું.શિક્ષકે તારવ્યું કે “જન્મદિવસે ઘરે ઢેબરાં બનાવ્યા હશે અને પેલા પડિકામાં શાળામાં વહેંચવાની ‘મિઠાઈ’ હશે. પડિયામાં ગૉળના દબડા હતા. અમે જન્મ દિવસ ઉજવણી માટે ચૉકલેટની અવેજીમાં ગૉળ-ચણા-સુખડીને પ્રોત્સાહન આપીને છીએ. તેણે તે યાદ રાખ્યું. શિક્ષકે તિજોરીમા મૂકતાં કહ્યું, “કાલે સવારે વહેંચીશું .” આજે તે ઘણી વહેલી આવી ગયેલી કદાચ. વર્ગમાં દફતર મૂકી મુખ્ય દરવાજે ઊભી રહેલી. વર્ગશિક્ષક આવતાં જ કહે, ” મકાઈ અને ચૉકલેટ લાવી છું.”

“કેમ?”

“બર્થ-ડેનું.”

“કાલનો ગૉળ છે ને!”

“પણ મકાઈ અને ચૉકલેટ છે.”

    તેના ‘ભાવ’ સામે શિક્ષક શું બોલે!

     વર્ગકાર્ય ચાલતું હતું અને તે ગૉળ વહેંચવા નીકળી. બધા શિક્ષકોએ ઉમળકાથી ફરી અભિનંદન પાઠવ્યા અને ગૉળ લીધો. એક ચૉક્કસ શિક્ષકને તેણે ગૉળનું વધુ એક દબડુ આપતાં કહ્યું, “તે દિવસે તમે મને ઘેર મૂકવા નહોતાં આવ્યા !”

   બીજા શિક્ષકે કહ્યું, “તું હવે જાડી થા સરસ.”

    “મને તો પાતળા રહેવું જ ગમે.”

     “લૅ, કેમ?”

     ” મમ્મી કહે છે કે પાતળા હોઈએ તો સારો ઘરવાળો મળે.”

      સમાજે આટલું અથવા આ જ તેને શિખવ્યું છે.

અમે તેને અવાજ આપ્યો છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s